કચ્છ : તનિષ્કની કથિત વિવાદિત જાહેરાતના પ્રકરણમાં કચ્છનાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ગાંધીધામ તાલુકા પંચાયતનાં ભાજપનાં પૂર્વ સભ્ય અને ભાજપનાં કાર્યકરે નેશનલ ન્યૂઝ ચેનલ NDTV સામે ગુનો નોંધાવ્યો છે.ગુરુવારે મોડી રાતે દાખલ કરવામાં આવેલી FIRમાં એનડીટીવી સામે જાતિ, ધર્મ અને ભાષાને મામલે બે જૂથ વચ્ચે કોમી તણાવ પેદા થાય તથા ખોટી ખબર આપવા સંબંધી ફરિયાદ કરવામાં આવી છે.જે વ્યક્તિ ટાટાનાં તનિષ્કનાં શો રૂમમાં જાહેરાત સંબંધે રજૂઆત કરવા ગઈ હતી તેણે ચેનલ સામે ફરિયાદ કરતા મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સત્તાવાર રીતે એનડીટીવી ચેનલ એફઆઈઆર થઈ હોવાનું જણાવાયું હતું.સુત્રોનાં જણાવ્યા પ્રમાણે,ભાજપનાં કાર્યકર એવા રમેશ મ્યાત્રાએ (આહીર) ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 153 (A) તેમજ 505 હેઠળ ફરિયાદ નોંધાવી છે.ચેનલ દ્વારા ખોટી ખબર ઉપરાંત ધાર્મિક તણાવ ફેલાવી હોવાનો આક્ષેપ કરીને એફઆઈઆર કરવામાં આવી છે.મામલો સંવેદનશીલ હોવાને કારણે એફઆઈઆરને ઓનલાઈન મુકવામાં આવી નથી. તેમજ પોલીસ સ્ટેશનમાંથી વિગત આપવા ઉપર પણ રોક લગાવવામાં આવી હોવાનું પોલીસે સત્તાવાર રીતે જણાવ્યું હતું.
સુત્રોનું માનીએ તો, ચેનલ દ્વારા એવા ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા કે,વિવાદિત જાહેરાતના લીધે કેટલાક લોકો દ્વારા ગાંધીધામમાં આવેલા તનિષ્કનાં શો રૂમ ઉપર હુમલો કરવામાં આવ્યો તથા માફીનામું લખાવવામાં આવ્યું હતું.જો કે ફરિયાદી દ્વારા પોલીસ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો હતો કે,સમગ્ર ઘટના સમજાવટ અને પ્રેમપૂર્વક બની હતી.જેમાં માત્ર બે વ્યક્તિ શો રૂમ ઉપર ગઈ હતી અને જાહેરાત સંબંધી વાતચીત થઈ હતી.જેમાં પ્રેમપૂર્વક વાતચીત કરવામાં આવી હતી અને શો રૂમના સંચાલકોએ તેમની જાતે માફી સંબંધે કેવા પ્રકારનું લખાણ લખવું છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.આપસી સમજૂતી બાદ તે લખાણને બેનરમાં લખીને શો રૂમમાં મુકવામાં આવ્યું હતું.બધી ચર્ચા શાંતિ તેમજ પ્રેમથી કરવા આવી હતી છતાં ચેનલ દ્વારા જે રીતે રિપોર્ટિંગ કરવામાં આવ્યું તેને લઈને ફરિયાદ કરનારને દુઃખ થયું હતું.આથી ચેનલ સામે પોલિસ ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,સમગ્ર પ્રકરણનાં પડઘા નેશનલ લેવલે પડતા ગુજરાતનાં રાજ્યકક્ષાનાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ટ્વિટ કર્યું હતું.જેમાં તેમણે આવી કોઈ ઘટના જ ન બની હોવાનું જણાવ્યું હતું.જાડેજાએ આવા ખોટા ન્યૂઝ સંદર્ભે પોલીસ કાર્યવાહીની વાત પણ ટ્વિટમાં કરી હતી.જેને પગલે સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ થશે તે નક્કી જ હતું.