વૉશિંગ્ટન, તા. ૧૬ : સીબીઆઈ અને અમેરિકન અધિકારીઓએ પહેલી વખત સાથે ઓપરેશન પાર પાડયું હતું.અમેરિકાના વયસ્ક નાગરિકો સાથે થતી છેતરપિંડીનો ભારત અને અમેરિકાની એજન્સીએ મળીને ભાંડો ફોડયો હતો. અમેરિકન નાગરિક ભારતમાં ટેકનિકલ સહાયના નામે પાંચ કંપનીઓ સાથે મળીને વૃદ્ધ નાગરિકોને છેતરવાનું કૌભાંડ ચલાવતો હતો.તે માટેના કોલ સેન્ટર ભારતમાં ચાલતા હતા.
ભારતની તપાસ એજન્સી સીબીઆઈ અને અમેરિકાના ન્યાય વિભાગના અધિકારીઓએ મળીને એક કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.અસંખ્ય વૃદ્ધ લોકો સાથે કોલ સેન્ટરની મદદથી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.અમેરિકન નાગરિક માઈકલ બ્રાયન કોટર ટેકનિકલસ સપોર્ટની સર્વિસ આપવાના બહાને આ કૌભાંડ ચલાવતો હતો. માઈકલ આ આખાય કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હતો.
ભારતના કોલ સેન્ટરોની મદદથી માઈકલ આ કૌભાંડ આચરતો હતો.ભારતમાં અલગ અલગ સ્થળોએ પાંચ કોલ સેન્ટર માઈકલના ઈશારે ચાલતા હતા અને એના મારફતે વયોવૃદ્ધ અમેરિકી નાગરિકોને ફોનમાં છેતરવામાં આવતા હતા.અમેરિકન કાયદા વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે કેલિફોર્નિયામાં રહેતો માઈકલ ભારતમાં તેના સાગરિતોની સાથે મળીને અસંખ્ય અમેરિકી નાગરિકોને છેતરી ચૂક્યો છે.અમેરિકન કાયદા વિભાગે ભારતીય તપાસ એજન્સી સીબીઆઈની મદદ લીધી હતી. અમેરિકામાં કેસ દાખલ થયો તે પછી તેના આધારે ભારતમાં સીબીઆઈએ પણ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કરીને એ ચલાવનારા લોકોની ઓળખ કરી લીધી હતી. આ આરોપીને પકડવાની કવાયત પણ શરૃ થઈ છે. દિલ્હી, નોઈડા, જયપુર, ગુડગાઁવ સહિતના સ્થળોએ આ કૌભાંડ ચાલતું હતું. કોલ સેન્ટર ચલાવતા લોકો સામે સીબીઆઈએ કાર્યવાહી કરી છે અને દરોડા પાડીને તપાસ આદરી છે.
અમેરિકાના ન્યાય વિભાગે કહ્યું હતું કે સીબીઆઈ સાથે મળીને અમેરિકન એજન્સીને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભારતીય તપાસ એજન્સીના વલણની અમેરિકાના ન્યાય વિભાગના અધિકારીઓએ પ્રશંસા કરી હતી. ભારત અને અમેરિકન એજન્સીએ પ્રથમ વખત આવા ગુનાઈત મામલામાં સાથે કામ કર્યું હતું.

