કરજણ : પેટાચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે.આવામાં વડોદરાની કરજણ (karjan) બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા ડોર ટુ ડોર ચૂંટણીનું રણશિંગું ફૂંકવા માટે ગામે ગામ તેઓ ફરી રહ્યા છે.ત્યારે તેઓએ હાલમાં શિનોર તાલુકામાં પોતાની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. કોઈ ગામમાં બહોળો પ્રતિસાદ મળ્યો તો કોઈ ગામમાં ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે ગઈકાલે તેઓએ મોટા ફોફળીયા, ઝાંઝળ, કંજેઠા, દામાપુરા સહિતના ગામોમાં પોતાના ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આયાતી ગણાવ્યા
ભાજપ દ્વારા અન્ય ધારાસભ્યોને પેટાચૂંટણીના પ્રચારની જવાબદારી સોંપાઈ છે.ત્યારે ભરૂચ અને ડભોઈના ધારાસભ્ય પણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ સાથે ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા હતા.આ બાબતે ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આયાતી ઉમેદવાર કહેવામાં આવ્યા હતા.કારણકે કિરીટસિંહ જાડેજાનું નિવાસસ્થાન વડોદરાના છે.જેને લઇ અક્ષય પટેલ દ્વારા આવુ નિવેદન આપવામાં આવ્યું હતું.
ભાજપથી નારાજ ખેડૂતોએ બળાપો ઠાલવ્યો
આ સાથે જ હાલ શિનોર તાલુકામાં CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી આવી નથી જેના કારણે શિનોર તાલુકાના ખેડૂતો અક્ષય પટેલથી નારાજ છે,જેથી તેઓને કેટલાક ગામોમાં ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે બીજી બાજુ ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાને પણ શિનોર તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ શિનોર તાલુકામાં તેમનું વતન આવેલું છે.જેથી મતદારોને રિઝવવા માટે અક્ષય પટેલ સાથે તેઓ પણ જઈ રહ્યા છે.એટલું જ નહિ,ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં શિનોર તાલુકામાંથી ત્રણ હજાર મતથી ભાજપ પાછળ હતું,ત્યારે હવે આવનારા સમયમાં 3 નવેમ્બરે શિનોરના મતદારો કોના ઉપર વિશ્વાસ મૂકશે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે.


