– અગાઉ વલસાડ ખાતે મહિલાની છેડતી કરવા ઉપરાંત સુરત ડીઈઓના કાર્યભાર વેળા સર્વ શિક્ષા અભિયાનની ઑડીટર મહિલાને પણ પોતાની ચેમ્બરમાં બોલાવી અનેક વખત છેડતી કરવાનો તેમજ શારિરીક શોષણ કરવાના નિર્લજ્જ પ્રયાસ કર્યા હતા જેમાં ફરિયાદ થતા ભરત મંગળભાઈ પટેલને 9 મહિના માટે સસ્પેન્ડ કરાયો હતો
– અત્યંત વિવદાસ્પદ અધિકારી અને ભ્રષ્ટ હોવાની છાપ ધરાવતા તાપી ડીઈઓ ભરત પટેલ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કેટલાક નજીકના લોકો સાથે ઘેરાબો ધરાવતા હોવાની લોકચર્ચા, શિક્ષણ કચેરીમાં નોકરી કરતી મહિલાઓ પર ભૂખ્યા વરુની જેમ નજર રાખતો હતો ભરત પટેલ !
( એડિટર જિગર વ્યાસ દ્વારા ) સુરત : કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ અંગે મોટા અભિયાન ચલાવી મહિલાઓને સલામતી પુરી પાડવાની બાંહેધરી આપી રહી છે ત્યારે રાજયના શિક્ષણ વિભાગમાં ખદબદતા ભ્રષ્ટાચાર અને હલકી તેમજ ગંદી કક્ષાની માનસિકતા ધરાવતા તાપી જિલ્લા શિક્ષણ અધિકારીના ચોંકવનારા કાંડ આજે એસીબી દ્વારા રંગેહાથ પકડાયા બાદ બહાર આવી રહ્યા છે.તાપી ડીઈઓ ભરત પટેલ આગામી ફેબ્રુઆરીમાં વયનિવૃત્તિ મુજબ નિવૃત થવાનો હતો,પરંતુ આજરોજ 10 લાખ રૂપિયાની લાંચ માંગવાના પ્રકરણમાં એસીબીના હાથે ક્લીન બોલ્ડ થઈ ગયો છે,જેની વ્યાપક ચર્ચા સમગ્ર શિક્ષણ આલમમાં ચર્ચાની એરણે ચઢી છે.ભ્રષ્ટ આચરણ અને ભ્રષ્ટાચારની ગંગોત્રી વહાવનાર શિક્ષણ અધિકારી ફરજ દરમ્યાન અગાઉ સુરત ખાતે અને વલસાડ ખાતે બે મહિલાઓ સમક્ષ શરીર સુખની માંગણી કરી ચુક્યો છે જે બાબતે જે તે સમયે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુધી સુરતની એક જાગૃત મહિલાએ લેખિત ફરિયાદ કરતા ભરત પટેલ સસ્પેન્ડ થઈ ચુક્યો હતો. અત્યંત વિવાદાસ્પદ અને પોતાની નગ્નતા માટે કુખ્યાત બનેલા ભરત પટેલના મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ ખુબ જ ચોંકવનારા રહ્યાં છે.
આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ વર્ષ 2015માં સુરત ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા ભરત મંગળભાઈ પટેલના કાર્યકાળ દરમ્યાન સર્વ શિક્ષા અભિયાનમાં ઑડીટર તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને ખુબ જ કડવો અનુભવ થયો હતો.આ ઘટનામાં શરૂઆતમાં ભરત પટેલ મહિલા ઑડીટરને કામ માટે પોતાની ચેમ્બરમાં બોલાવી ઓફિસકાર્યને લગતી વાતો કરતો અને ત્યારબાદ કામુક થવા સાથે સીધી બિભત્સ વાતો શરુ કરી દેતો હતો. ઉપરાંત પોતે મોટા પોલિટિકલ કનેક્શન ધરાવે છે અને જો તે મહિલા પોતાને સરન્ડર થઈ જય તો રૂપિયા આપવાથી લઈને પ્રમોશન આપવા સુધીના પ્રલોભનો આપતો હતો.પરંતુ આ મહિલા સરન્ડર નહીં થતા ડીઈઓ ભરત પટેલે તેને માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું અને આ મહિલાકર્મીને તેના કામ બાબતે ઠપકો આપી તેણી કામ બરાબર કરતા નથી જે બાબતે શિક્ષણ મંત્રીને અને ઉપર સુધી ફરિયાદ કરી નોકરી છોડાવી દેવાની ધમકીઓ સુધ્ધાં આપતો હતો.આ પ્રકરણ ગત 2015ના ફેબ્રુઆરી મહિનામાં ઘટ્યું હતું જે બાબતે ઑડીટર મહિલાએ હિંમત દાખવી આ બાબતે ડીઈઓ ભરત પટેલ વિરુદ્ધ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફરિયાદ કરતા ભરત પટેલ ભોંયભેગો થઈ ગયો હતો અને તેની મેલી મુરાદ બર આવી ન હતી.આજ ઘટનામાં ડીઈઓ ભરત પટેલ 8થી 9 મહિના માટે સસ્પેન્ડ થઈ ચુક્યો હતો અને ત્યારબાદ તેની પોરબંદર ખાતે બદલી કરી દેવાઈ હતી.સમગ્ર કેસમાં ભરત પટેલે જે તે વખતે પોતાના સ્ટાફમાં પટાવાળા તરીકે કાર્ય કરતા અન્ય એક મહિલાકર્મી પાસે પોતાની માંગોને તાબે નહીં થનારી મહિલા ઑડીટર વિરુદ્ધ એટ્રોસિટીનો ખોટો કેસ પણ ચોકબજાર પોલીસ મથકે કરાવ્યો હતો.પરંતુ તેમાં કોઈ જ તથ્ય નહીં મળી આવતા ફરિયાદ કરનાર મહિલાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી અને ડીઈઓ ભરત પટેલના ઈશારે જ ખોટી ફરિયાદ મહિલા ઑડીટર વિરુદ્ધ કરી હોવાની વાત પણ કબૂલી હતી. આ ઘટના સાબિત કરે છે કે ડીઈઓ ભરત પટેલ કેટલી હદ સુધી આચરણથી જ નહિ પરંતુ માનસિક રીતે પણ ભ્રષ્ટ હોઈ શકે છે.
વધુમાં દોઢેક વર્ષ અગાઉ વલસાડ ડીઈઓ તરીકે ફરજ બજાવી ચૂકેલા ભરત પટેલની કામુકતા ત્યાં પણ અટકી ન હતી અને કચેરીના કાર્યકાળ વખતે વધુ એક મહિલાકર્મીને શિકાર બનવવા પણ બાલિશ પ્રયાસ કર્યો હતો.જે બાબતે માનસિક શારીરિક ત્રાસ આપવા અંગેનો એક અહેવાલ વલસાડના એક સ્થાનિક અખબારમાં પ્રસિદ્ધ થતા ડીઇઓ ભરત પટેલને તાત્કાલિક અસરથી વ્યારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.જેમાં આજરોજ નોટિસ પાછી ખેંચવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરવા જતા એસીબીએ ધરપકડ કરી હતી.એસીબી રેડની ગંધ આવી જતા ભરત પટેલ ભાગી ગયા હતા પરંતુ એસીબીએ લાંચનો ગુનો નોંધી તેના ક્લાર્કની પણ ધરપકડ કરી હતી. આટલું જ નહિ આચરણથી ભ્રષ્ટ થયેલા ડીઈઓ ભરત પટેલ ભ્રષ્ટાચાર આચારવામાં પણ એટલી જ હદે ભ્રષ્ટ અને કુખ્યાત હોવાનું ખુદ શિક્ષણ આલમ અને શાળા સંચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભરત પટેલના કાર્યકાળ દરમ્યાન ઓફિસમાં કામ કરતી મહિલાઓ જે હદે અસલામત અને ભયમાં રહેતી હતી એટલી જ હદે અનેક સ્કૂલોના વહીવટકર્તા તેમજ સંચાલકો પણ આવી જ વિકટ પરિસ્થતિમાં મુકાયા હતા.
આજે જયારે એસીબીએ લાંચિયા ભરત પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરતા તેના વિરોધી અને તેના દ્વારા પ્રતાડિત થયેલા વર્ગમાં ખુશની લાગણી પ્રસરી જવા પામી છે. અત્રે નોંધનીય છે કે ભ્રષ્ટ અધિકારી ભરત પટેલ,શિક્ષણમંત્રી સાથે નજીકનો ઘરોબો હોવાનું અને શિક્ષણ મંત્રાલય ગાંધીનગર ખાતે કહેવાતા મળતિયાઓ સાથે નજીકના સંબંધો ધરાવતો હોવાનું અનેકવાર જાહેરમાં તેમજ બણગા ફૂંકતો હતો.પરંતુ આજરોજ એસીબીના હાથે કિલિન બોલ્ડ થઈ જતા તેની હવા નીકળી ગઈ હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી છે.ડીઈઓ ભરત પટેલે પોતના કાર્યકાળ દરમ્યાન લાખ્ખો કરોડો રૂપિયાનો બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચા છે. આ બાબતે એસીબી જો ભરત પટેલની તમામ સંપંત્તિ અને તેના દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરાવે તો અધિક સંપત્તિ મુદ્દે ફરી લાંચિયા લંપટ તાપી ડીઈઓ ભરત પટેલને નિવૃત્તિ પહેલા જેલ જવાનો વારો આવે તેમ છે.તો શું આ બાબતે તપાસ થશે ખરી ? ભરત પટેલના કારનામા અને ભ્રષ્ટાચાર બાબતે નિષ્પક્ષ અને ઉંડાણપૂર્વક તપાસ થાય તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.