ભાજપના નેતાઓએ હજી પણ કોંગ્રેસના આયાતી ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાવીને 2022ની વિધાનસભા ચૂંટણી જીતવાનો તખ્તો ઘડી નાંખ્યો છે. પ્રદેશના નેતાઓના બયાન એવાં આવી રહ્યાં છે કે ચૂંટણી જીતવા અને સત્તા મેળવવા માટે ભાજપ હજી કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લેવાનું બંધ નહીં કરે. કોંગ્રેસે તેમના વફાદાર ધારાસભ્યો માટે નવી સ્ટેટેજી ગોઠવવી પડશે.
ગુજરાતમાં કોંગ્રેસ કરતાં ભાજપ અનેકગણી મોટી પાર્ટી બની ચૂકી છે.ભાજપના સંગઠન સામે કોંગ્રેસનું વર્તમાન સંગઠન વામણું સાબિત થઇ રહ્યું છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હોદ્દો ગ્રહણ કર્યા પછી કહ્યું હતું કે ભાજપ તેના સંગઠનના જોરે ચૂંટણીઓ જીતશે, કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓને હવે ભાજપમાં લેવામાં નહીં આવે,પરંતુ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસના અનેક નેતાઓને ભાજપમાં લીધા છે.છેલ્લે લીમડીની બેઠક જીતવા માટે પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ને સીઆર પાટીલે ભગવો પહેરાવ્યો છે.
સીઆર પાટીલના નિર્ણયનો પેટાચૂંટણી દરમ્યાન છેડ ઉડી ગયો છે,કેમ કે અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં પ્રવેશ ચાલુ છે અને ગુજરાતમાં પણ ચાલુ રહેશે તેવું હાઇકમાન્ડનું વલણ અકબંધ છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો ઇશારો કર્યો હતો કે કોંગ્રેસના હજી વધુ નેતાઓ તૂટશે.કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકી નથી.કોંગ્રેસના ધારાસભ્યો જ્યારે પાર્ટી છોડીને ભાજપમાં આવે છે ત્યારે તેમના કામો થાય છે.
બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ ડૂબતું જહાજ છે.પેટાચૂંટણી પછી કોંગ્રેસ વધારે તૂટશે.ચૂંટણી સભામાં તેમણે એવો નિર્દેશ આપ્યો હતો કે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે.રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ગુજરાતમાં જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ તૂટી રહી છે.કોંગ્રેસના કાર્યકરોને તેમની લીડરશીપ પર હવે ભરોસો રહ્યો નથી.
પાર્ટીના સૂત્રો કહી રહ્યાં છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના કેટલાક વર્તમાન ધારાસભ્યો અને પ્રદેશ નેતાઓ ભાજપમાં જોડાય તેવી સ્થિતિનું નિર્માણ થશે,કારણ કે પ્રદેશના નેતાઓ તેમની પાર્ટીને બચાવી શકે તેમ નથી. ભાજપના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ભાજપ એવા નેતાઓ અને કાર્યકરોને આવકારે છે કે જેઓ ચૂંટણી જીતીને બતાવે.પાર્ટીને ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોની જરૂર છે.કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોમાં હજી પણ અસંતોષ ચરમસીમાએ છે.