મથુરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીં એક 17 વર્ષીય છોકરાએ ગુસ્સામાં પોતાના પિતાની હત્યા કરી દીધી અને પુરાવા નષ્ટ કરવા માટે ટીવી સીરિયલ ક્રાઈમ પેટ્રોલમાંથી આઈડિયા લીધો. 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની જ્યારે બુધવારે ધરપકડ કરવામાં આવી અને પોલીસે તેના મોબાઈલની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે,તેણે ક્રાઈમ પેટ્રોલ સીરિઝ 100 કરતા વધુ વાર જોઈ હતી.
રિપોર્ટ અનુસાર,પિતા તેને ખિજવાતા દીકરાએ 2 મેના રોજ પોતાના 42 વર્ષીય પિતા મનોજ મિશ્રાની હત્યા કરી દીધી હતી.છોકરાએ પિતાના માથા પર લોખંડના સળીયા વડે વાર કર્યો અને જ્યારે તેઓ બેભાન થઈ ગયા,તો તેણે કપડાના ટુકડાં વડે પિતાનું ગળુ દબાવીને તેમની હત્યા કરી દીધી હતી.બાદમાં એ જ રાતે છોકરો પોતાની માતાની મદદથી શવને આશરે 5 કિલોમીટર દૂર જંગલમાં લઈ ગયો અને ઓળખ ન થાય તે માટે શવને પેટ્રોલ નાંખીને સળગાવી દીધુ અને પછી ટોયલેટ ક્લીનરની મદદથી પુરાવાનો નાશ કરી દીધો હતો.
3 મેના રોજ પોલીસને જંગલામાંથી આંશિકરીતે બળી ગયેલી લાશ મળી હતી,પરંતુ તેની ઓળખ થઈ શકી નહોતી,કારણ કે કોઈપણ પોલીસ સ્ટેશનમાં કોઈપણ વ્યક્તિના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ નહોતી. આખરે ઈસ્કોનના અધિકારીઓના દબાણમાં પરિવારે 27 મેના રોજ મનોજ મિશ્રાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી,કારણ કે મનોજ મિશ્રા ત્યાં દાન ભેગુ કરવાનું કામ કરતા હતા અને ગીતાનો પ્રચાર કરવા માટે મોટાભાગે યાત્રાઓ કરતા હતા.આ કારણે જ તેમની લાંબી ગેરહાજરીથી કોઈને પણ શંકા ના થઈ. બાદમાં તેમના કેટલાક સહયોગીઓએ ચશ્મા દ્વારા તેમની ઓળખ કરી લીધી હતી.
મથુરાના પોલીસ અધિક્ષક (શહેર) ઉદય શંકર સિંહે કહ્યું કે,પોલીસ જ્યારે પણ મનોજના દીકરાને પૂછપરછ માટે બોલાવતી હતી,ત્યારે તે ન આવવા માટે કોઈક ને કોઈક બહાનુ બનાવી લેતો હતો અને પોલીસને સામો સવાલ કરતો કે કાયદાના કયા પ્રાવધાનો અંતર્ગત તેની પૂછપરછ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જોકે,જ્યારે પોલીસે તેના મોબાઈલ ફોનની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે,તેણે ઓછામાં ઓછું 100વાર ક્રાઈમ પેટ્રોલના એપિસોડ્સ જોયા હતા.ઘણીવાર પૂછપરછ કર્યા બાદ છોકરો આખરે ભાંગી પડ્યો અને તેણે પોતાના અપરાધનો સ્વીકાર કરી લીધો હતો.