ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણી યોજાય છે.ભાજપ અને કોંગ્રેસ પોત પોતાના ઉમેદવારોને જીતાડવા માટેની કવાયત કરી રહ્યુ છે.તેવામાં રાજ્યમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થયો છે.ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ પક્ષ પલટુને ફરીથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે.એક ઇન્ટરવ્યૂમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કબૂલાત કરી હતી કે,કોંગ્રેસમાંથી આવેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવાનું કન્ફર્મેશન આપ્યુ હતું.કચ્છની અબડાસા બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ પોતાના સ્ટાર પ્રચારકો ઉતારી રહ્યા છે.જેમાં શુક્રવારે કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર શાંતિ સેંઘાણીના પ્રચાર માટે કોંગ્રેસ દ્વારા કચ્છના નખત્રાણામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસની સભામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ,કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તે દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા સમયે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગદ્દારી કરનારા લોકોને પાર્ટીમાં લીધા હોવાનું કહ્યું હતું.તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાને લઈને પણ અમિત ચાવડાએ નિવેદનમાં કહ્યું હતું કે,તેઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે.
અમિત ચાવડા ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે,ગુજરાતની સરકારે ઉમેદવારોને ખેંચી પ્રજા સાથે ગદ્દારી કરનારા લોકોને તેમની પાર્ટીમાં લીધા છે.અને ભાજપના ઇશારે કચ્છમાં ફરજ બજાવી ગયેલા પૂર્વક કલેક્ટર અને પોલીસ અધિકારી કોંગ્રેસના સમર્થક લોકોને ડરાવી રહ્યાં છે.આ બાબતે પણ અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું.શંકરસિંહ વાઘેલા ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને પ્રજા પણ તેમને ઓળખી ગઈ છે.
નખત્રાણામાં યોજાયેલી કોંગ્રેસની સભામાં ગુજરાત ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલીમામદ જત પોતાના 200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાતા નખત્રાણા ભાજપને ચૂંટણી પહેલાં જ એક ફટકો પડ્યો હતો. થોડા દિવસો પહેલાં શંકરસિંહ વાઘેલાએ પણ કચ્છમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં એક સભાને સંબોધી હતી અને તેમાં તેમણે અપક્ષ ઉમેદવારને ચૂંટીને ગાંધીનગરમાં મોકલવા લોકોને અપીલ કરી હતી.ત્યારે કચ્છના નખત્રાણામાં યોજાયેલી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,શંકરસિંહ વાઘેલા ભાજપના ઇશારે બી ટીમ તરીકે કામ કરતા હોવાના આક્ષેપ કરતા રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે.