પાંચ ટ્રીલિયનનું સ્વપ્ન પૂરું કરવા મોદીનું ૨૦ ઉદ્યોગપતિઓને આહવાન!!

261

– રોકાણના દ્રષ્ટિકોણ,માળખાકીય સુધારા સહિતના વિષયે ગોળમેજી પરિષદમાં સીઇઓ – સીઆઈઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૯માં ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સ્વપ્ન લોકો સમક્ષ મુક્યું હતું.ત્યાર બાદ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે તબક્કાવાર પગલાં પણ લેવાયા હતા.વિદેશી મૂડી રોકાણકારો ભારતમાં મોટાપ્રમાણમાં ઇન્વેસ્ટ કરે તે હેતુથી કેટલીક પ્રોત્સાહક યોજનાઓની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી આવા સંજોગોમાં વિશ્વના ટોચના ૨૦ ઉદ્યોગો સાથે વડાપ્રધાન મોદી ગોળમેજી પરિષદ યોજવા જઇ રહ્યા છે.આ રોકાણકારો ભારતમાં ૫ ટ્રીલીયન ઇકોનોમી જનરેટ કરવા મહત્વનો ફાળો ભજવશે. મોટાભાગે રોકાણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં થશે તેવું જાણકારોનું માનવું છે

આ ગોળમેજી બેઠકમાં દુનિયાના સૌથી મોટા ૨૦ પેન્શન અને સોવરીન વેલ્થ ફંડ્સ હિસ્સો લેશે.જેમની મેનેજમેન્ટ હેઠળની કુલ અસ્કયામત લગભગ ૬ ટ્રિલિયન અમેરિકન ડોલર થાય છે.આ વૈશ્વિક સંસ્થાગત રોકાણકારો અમેરિકા,યુરોપ,કેનેડા,કોરિયા,જાપાન,મધ્ય-પૂર્વ,ઑસ્ટ્રેલિયા અને સિંગાપોર સહિત મુખ્ય પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરશે.આ કાર્યક્રમમાં આ ફંડ્સના મુખ્ય નિર્ણય લેનારાઓ એટલે કે, સીઈઓ અને સીઆઈઓ ભાગ લેશે. આમાંથી કેટલાક રોકાણકારો પ્રથમ વખત જ ભારત સરકાર સાથે જોડાઇ રહ્યાં છે.

મુખ્યત્વે ભારતના આર્થિક અને રોકાણના દ્રષ્ટિકોણ, માળખાકીય સુધારા અને ભારતને ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સરકારની દૂરંદેશીની આસપાસમાં જ ચર્ચા કેન્દ્રિત રહેશે.આ કાર્યક્રમ અગ્રણી વૈશ્વિક રોકાણકારો અને ભારતીય વ્યાવસાયિકોને કેવી રીતે ભારતમાં આંતરરાષ્ટ્રીય રોકાણની વૃદ્ધિને વેગ મળશે તે બાબતે ચર્ચા કરવા માટે વરિષ્ઠ નીતિ નિર્માતાઓ સાથે જોડાવાની અને ચર્ચા કરવાની તક પ્રાપ્ત થશે.

ભારતમાં આ નાણાકીય વર્ષમાં વિદેશી રોકાણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અત્યાર સુધીમાં સર્વાધિક આવ્યું છે.ગોળમેજી પરિષદ તમામ હિતધારકોને વધુ મજબૂત ભાગીદારીનો પાયો તૈયાર કરવા માટે અને ભારતમાં રોકાણ વધારવાની તકો ચકાસી રહેલા આંતરરાષ્ટ્રીય સંસ્થાગત રોકાણકારોને આગળ વધારવા માટે પણ તક પૂરી પાડશે.

કોરોના મહામારી બાદ ભારતમાં વધુને વધુ મૂડી રોકાણકારો પોતાના ધંધા વ્યવસાય અને સેવાઓનો વ્યાપ વધારવા આકર્ષાઈ રહ્યા છે.મહામારી બાદ ભારત આર્થિક ક્ષેત્રે ફરીથી વિશ્વ ગુરુ બને તેવા ઉજળા સંજોગો છે તાજેતરમાં જ મંત્રી નિર્મલા સીતારામને સાત હજારથી વધુ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો આ પ્રોજેક્ટ માટે મૂડીરોકાણ ને લઇ વડાપ્રધાન મોદીની ગોળમેજી પરિષદ પણ મહત્વનો ભાગ ભજવશે.

Share Now