લખનઉમાં હિન્દુ યુવતી સાથે મુસ્લિમના લગ્ન અટકાવાયા

408

લખનઉ ,તા.૪ : યુપી સરકારે ધર્માંતરણ અંગેનો નવો વટહુકમ બહાર પાડ્યા બાદ પોલીસે લખનઉમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નમાં પહોંચીને વિધિ અટકાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. બુધવારે સાંજે આ લગ્નનું આયોજન હતું,અને વર-કન્યા બંને ધર્મની વિધિ અનુસાર લગ્ન કરવાના હતા.જોકે,લગ્ન સ્થળે પહોંચેલી પોલીસે કલેક્ટરની પરમિશન ના હોવાના કારણે લગ્ન અટકાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી રૈના ગુપ્તા નામની ૨૨ વર્ષની યુવતીના મોહમ્મદ આસીફ નામના ૨૪ વર્ષના ફાર્માસિસ્ટ યુવક સાથે લગ્ન થવાના હતા.જોકે,જિલ્લાની હિંદુ મહાસભાના પ્રમુખે આ લગ્ન અંગે પોલીસને બાતમી આપતા પોલીસ ત્યાં પહોંચી હતી.આ મામલે કોઈ હ્લૈંઇ નથી નોંધાવાઈ. કલેક્ટરની પરમિશન ના આવી જાય ત્યાં સુધી બંને પરિવારે પરસ્પરની સહમતીથી લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.

રાજ્ય સરકારે બહાર પાડેલા વટહુકમ અનુસાર, કલેક્ટર ઓફિસમાં અરજી કર્યા બાદ આ કપલને લગ્ન કરવા માટે ઓછામાં ઓછી બે મહિના સુધી રાહ જોવી પડશે. લખનઉના સાઉથ ઝોનના એડિશનલ ડીસીપી સુરેશ ચંદ્ર રાવતના જણાવ્યા અનુસાર,પોલીસ પહોંચી ત્યારે હિન્દુ વિધિ અનુસાર લગ્ન કરવાની તૈયારી ચાલી રહી હતી, અને ત્યારબાદ મુસ્લિમ વિધિથી પણ લગ્ન થવાના હતા.

પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આ લગ્ન બંને પરિવારોની સહમતિથી થઈ રહ્યા હતા.જોકે,લગ્નની વિધિ ધર્માંતરણ વિના શક્ય નહોતી.જે પોલીસ સ્ટેશનની હદમાં આ લગ્ન થવાના હતા તેના સ્ટેશન હાઉસ ઓફિસર ત્રિલોકી સિંઘના જણાવ્યા અનુસાર હિન્દુ મહાસભાના પ્રમુખ બ્રિજેશ શુક્લાએ આ લગ્ન અંગે લેખિતમાં માહિતી આપી હતી.

કન્યાના પિતા વિજય ગુપ્તાએ એક અખબારને જણાવ્યું હતું કે આ મામલામાં કોઈ બળજબરીપૂર્વકનું ધર્માંતરણ નહોતું અને બંને પરિવારોની તેમાં બિનશરતી સહમતી હતી.જોકે,પોલીસે આવીને ના જણાવ્યું ત્યાં સુધી તેમને એ ખબર નહોતી કે બંને પક્ષોની સહમતી હોય તો પણ વર અને વધૂના ધર્મ અલગ હોય તો જિલ્લા કલેક્ટરની લગ્ન પહેલા મંજૂરી લેવી પડે છે.આ મામલે યુવકના પરિવારજનોએ કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો હતો.

Share Now