બીજેપીએ સોમવારે વિરોધ પક્ષોને વખોડતાં જણાવ્યું હતું કે અગાઉ તેમણે નવા કૃષિ કાયદાઓની ઘણી જોગવાઈઓનું સમર્થન કર્યું હતું.હવે બેવડા ધોરણ અપનાવતાં એનો વિરોધ કરી રહ્યા છે.બીજેપીના સિનિયર નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે દેશભરમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં લોકો દ્વારા જાકારો મેળવનારા રાજકીય પક્ષો એમનું અસ્તિત્વ બચાવવા માટે ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધમાં કૂદી પડ્યા છે.
તેમણે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટેનો કૉન્ગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વાંચી સંભળાવીને નોંધ્યું હતું કે કૉન્ગ્રેસે એપીએમસી ઍક્ટ રદ કરવાનું વચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસ શાસિત રાજ્યોને ૨૦૧૩માં ખેડૂતોને તેમની ઊપજનું સીધું વેચાણ કરવાની છૂટ આપવા માટે પગલાં ભરવાની સૂચના આપી હતી.
ઉપરાંત યુપીએ સરકારમાં કૃષિપ્રધાન રહી ચૂકેલા એનસીપી નેતા શરદ પવારે રાજ્યોને એપીએમસી ઍક્ટમાં સુધારો કરવાની તાકીદ કરી હતી અને ત્રણ સુધારણાની ગેરહાજરીમાં કેન્દ્ર નાણાકીય સહાય નહીં પૂરી પાડે એવી ચેતવણી સુધ્ધાં આપી હતી એમ પ્રસાદે જણાવ્યું હતું.પરંતુ જ્યારે મોદી સરકારે આ જોગવાઈઓ ઘડી ત્યારે આ તમામ પક્ષો હવે એનો વિરોધ કરી રહ્યા છે, આ એમનાં ‘બેવડાં ધોરણો’ દર્શાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.