કિસાન આંદોલન : ખેડૂતો હવે ટોલનાકા બંધ કરાવી દિલ્હી આગરા હાઈવે જામ કરશે

290

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે વધુ તીવ્ર થઈ રહ્યું છે.પંજાબના અને હરિયાણાના જુદા જુદા જિલ્લાઓમાંથી હજારો ખેડૂતો પોતાના ટ્રેકક્ટર અને ટ્રોલી સાથે દિલ્હી બોર્ડર નજીક આવી ચૂક્યા છે.કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે વિરોધ કરી રહેલા ખેડૂતો છેલ્લા 17 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.શનિવારે સવારે ખેડૂતોએ દિલ્હી-જયપુર એક્સપ્રેસ વે NH48 જામ કરવાની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે દેશભરમાં ટોલ ફ્રી કરવા પણ આહવાન કર્યું છે.આ ઉપરાંત દિલ્હી-આગ્રા હાઈવે પણ જામ કરી દેવા કહ્યું હતું.

બીજી તરફ ખેડૂત સંગઠનના નેતાઓએ એવું પણ કહ્યું કે,આ દરમિયાન અમને કોઈ સરકારી નિમંત્રણ આવશે તો ચોક્કસથી વાત કરીશું.શાંતિથી મુદ્દો ઉકેલીશું. હરિયાણા રાજ્યમાં ખેડૂતોએ ટોલ પ્લાઝા ફ્રી કરી,હાઈવે બ્લોક કરવા માટે ચિમકી ઉચ્ચારી છે.જ્યારે દિલ્હીની આસપાસ, ગુરૂગ્રામ અને ફરિદાબાદમાં પોલીસ કાફલો એલર્ટ છે.સુરક્ષા વ્યવસ્થા વધારે સખત કરી દેવામાં આવી છે.શુક્રવારે હરિયાણામાં ખેડૂતોએ બસ્તારા ટોલનાકું બંધ કરાવી દીધું હતું.જ્યારે અંબાલામાં શંભુ ટોલનાકુ બંધ કરાવી દીધું હતું. જ્યારે ઉત્તર પ્રદેશના દિલ્હી તરફના ટોલનાકા પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.ઉત્તર પ્રદેશના તમામ 130 ટોલનાકા પર પોલીસ ટુકડી તહેનાત કરી દેવામાં આવી છે.ખેડૂતોના સમર્થનમાં ભોજપુરીથી લઈને પંજાબી ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારો આવ્યા છે.હવે આ યાદીમાં ક્રિકેટર યુવરાજસિંહનો પણ સમાવેશ થાય છે.તેમણે આ વર્ષે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ ન કરવા એલાન કર્યું છે.આ સાથે વિરોધ કરી રહેલા ખેડૂતોને પોતાનો ટેક જાહેર કર્યો છે.તેમણે એવું પણ કહ્યું હતું કે, ખેડૂતો આપણા દેશની જીવનરેખા છે.

શુક્રવારે પંજાબના જુદા જુદા જિલ્લાના 50 હજારથી વધારે ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થયા હતા.જેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર સુધી પહોંચશે.આ ખેડૂતો પંજાબના અમૃતસર,તરનતારન,ગુરદાસપુર,જલંધર,કપૂરથલા અને મોગા જિલ્લાના છે.ટીકરી અને સિંધુ બોર્ડર પર એક એક કરીને અત્યાર સુધીમાં કુલ 11 ખેડૂતોના મોત થઈ ચૂક્યા છે.કડકડતી ઠંડીમાં રસ્તા પર બેઠેલા ખેડૂતો ધીમે ધીમે બીમાર પડી રહ્યા છે.ખેડૂતોએ કૃષિ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.ખેડૂત નેતા બલબીરસિંહ રાજેવાલે કહ્યું હતું કે, તા. 12 ડિસેમ્બરના રોજ ખેડૂતો દિલ્હી-જયપુર હાઈવે બ્લોક કરશે.આ દરમિયાન તેઓ જિલ્લા ક્લેક્ટર,ભાજપ નેતા અને તેમના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવતા ખેડૂતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.આ માહોલ વચ્ચે દેશના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે એવું કહ્યું હતું કે,કેટલાક અસામાજિક તત્ત્વો ખેડૂતોના નામે ખોટું કાવતરૂ ઘડી રહ્યા છે.જોકે,ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીના કેટલાક રસ્તાઓ હજું પણ બંધ છે.એન્ટ્રી પોઈન્ટથી વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિક વધી રહ્યો છે.

Share Now