TRP કૌભાંડ : પોલીસે ૮૦૦ પાનાંનો વચગાળાનો ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ મેળવ્યો

248

ટીઆરપી કૌભાંડની તપાસ ચલાવી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ૮૦૦ પાનાંનો વચગાળાનો ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ મેળવ્યો હતો.આ રિપોર્ટમાં રિપબ્લિક ટીવી સહિતની આરોપી ચૅનલો દ્વારા વિવિધ નાણાકીય ગેરરીતિ થયાની પુષ્ટિ થઈ છે.બીજી તરફ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે લૉજિકલ ચૅનલ નંબર (એલસીએન) અને એલસીએન પ્રમોશનની ડ્યુઅલ ફ્રિક્વન્સીના ઉપયોગ મામલે ચાર કેબલ ઑપરેટરોનાં નિવેદન પણ નોંધ્યાં છે.

વચગાળાનો ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ મેળવનાર સીટે તારવ્યું છે કે રિપબ્લિક ટીવીના ટીઆરપી અને વ્યુઅરશિપ એના લૉન્ચિંગના પ્રથમ મહિનાથી જ ઘણાં ઊંચાં હતાં.ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે કે ફૉરેન્સિક રિપોર્ટનાં તારણો ટીઆરપી સાથે ચેડાં વિશેની થઈ રહેલી તપાસ સંદર્ભના અતિમહત્ત્વના અને સહાયક પુરાવા છે.
‘મિડ-ડે’એ તપાસેલા વચગાળાના ફૉરેન્સિક રિપોર્ટ અનુસાર વધેલા ટીઆરપીને પરિણામે એઆરજી મીડિયા (રિપબ્લિક ટીવી અને રિપબ્લિક ભારતની માલિકી ધરાવતી કંપની)ને ઊંચી આવક માટે સોદો કરવાની તાકાત મળી હતી.વળી તેણે ભાવિ વર્ષોમાં ઊંચી આવક રજૂ કરીને એના શૅરનું મૂલ્ય અત્યંત ઊંચું રાખ્યું હતું. આ ઉપરાંત એઆરજી આર્ટિફિશ્યલ રીતે એની શૅર વૅલ્યુ વધારવામાં,રોકાણ એકત્રિત કરવામાં તથા આ પૈકીનું કેટલુંક ભંડોળ એની પેરન્ટ કંપની થકી એના પોતાના જ શૅર ૩૦૦ ટકા ઊંચા મૂલ્ય પર ખરીદવા માટે વાપરવામાં પણ રોકાયેલી હતી.

Share Now