– મમતા બેનર્જીની રેલીમાં જોડાશે
કોલકાતા તા.24 : પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં વસતા બાઉલ ગાયક વાસુદેવ દાસ બાઉલે પલટી મારતાં કહ્યું હતું કે હું 29મી ડિસેંબરે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની રેલીમાં હાજરી આપવાનો છું.
કેન્દ્રના ગૃહ પ્રધાને તાજેતરમાં વીરભૂમ જિલ્લાની મુલાકાત લીધી ત્યારે દાસને ત્યાં ભોજન કર્યું હતું.આ ઘટનાને ભાજપે જબરદસ્ત પબ્લિસિટી આપી હતી. પરંતુ ત્યારબાદ સંજોગો પલટાયા હતા.દાસે કહ્યું હતું કે મને જે વાયદો આપવામાં આવેલો એનું પાલન થયું નથી અને મને કેન્દ્રના ગૃહ પ્રધાને કોઇ સહાય કરી નથી. હું હવે 29 ડિસેંબરે રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ યોજેલી રેલીમાં હાજરી આપવાનો છું.
તેમણે એવો દાવો કર્યો હતો કે અમિત શાહની મુલાકાત ટાણે મને આર્થિક સહાય આપવાનો વાયદો ભાજપે કર્યો હતો.પરંતુ એ વાયદાનું પાલન થયું નથી.બીજી બાજુ મને વીરભૂમ જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અનુવ્રત મંડલે રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય અપાવવાની ખાતરી આપી હતી.
અનુવ્રત મંડલની બાજુમાં બેસીને દાસે કહ્યું હતું કે અમિત શાહજી બહુ મોટા માણસ છે. મારે બાઉલ કલાકારોની દુર્દશા વિશે એમને વાત કરવી હતી અને જાણવું હતું કે કેન્દ્ર સરકાર બાઉલ કલાકારો માટે શું કરી શકે છે. મારી પુત્રીના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ હું ઉપાડી શકું એમ નથી.મારે એ વિશે પણ એમની સાથે વાત કરવી હતી. મારી પુત્રીએ તાજેતરમાં એમ. એ. પાસ કર્યું હતું.એમણે અમારે ત્યાં ભોજન કર્યું,બાઉલ ગીતો સાંભળ્યા પરંતુ મને અમિત શાહજી સાથે વાત કરવાની તક મળી નહીં.