વલસાડ : જેમ જેમ 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા વધુ અધીરા બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજે રોજ વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે.ત્યારે બુટલેગરો અવનવી તરકીબો અજમાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.એવામાં વલસાડમાં પીકઅપ વાનમાં લીલી હળદરની નીચે દારૂ સંતાડીને હેરાફેરી કરતા ચાલકની અટકાયત કરવામાં આવી છે.
ઘટનાની વિગતો મુજબ,વલસાડ જિલ્લાની પારડી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ પારડી તાલુકાના ગોઇમા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી.આ દરમિયાન અહીંથી પૂર ઝડપે પસાર થતાં એક પીક-અપ વાનનો પોલીસે પીછો કર્યો હતો.પોલીસે રોકાવા માટે ઇશારો કરવા છતાં વાન ચાલક પૂર ઝડપે તેને દોડાવી રહ્યો હતો.જેથી પોલીસની ટીમ વાનનો પીછી કર્યો હતો.આ દરમિયાન ચાલક અને ક્લિનર વાનને મૂકીને અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા.જોકે પોલીસના હાથમાં વાન ચાલક આવી ગયો હતો પરંતુ ક્લિનર ભાગવામાં સફળ રહ્યો હતો.
પોલીસે પીક-અપ વાનની તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ અંદર લીલી હળદરનો જથ્થો ભરેલો હતો.પોલીસે લીલી હળદરના જથ્થાને હટાવીને તપાસ કરતાં નીચે મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ દારૂના જથ્થાની કિંમત અંદાજિત 98 હજાર રૂપિયા જેટલી થવા પામી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી સુરત તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂનું સેવન કરવાનું દૂષણ વધી રહ્યું છે.એવામાં 31મી ડિસેમ્બર નજીક આવતા જ રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી વધી જાય છે.રાજ્યમાં દર વર્ષે લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે.