ટેક્સટાઇલ સ્પીનર્સ યાર્નના દર વિરુદ્ધ ફોગવાની આંદોલનની ચીમકી

302

– શિપિંગ સહિતના ભાવ વધતા યાર્નમાં ઉછાળાથી વીવર્સ હેરાન
– શોર્ટ સપ્લાય હોવાના કારણે ભાવો ઊંચા ગયા છે: સ્પીનર્સ

શિપિંગ ચાર્જિસમાં છેલ્લાં થોડા સમયમાં ઉછાળો નોંધાયો છે.તેની સાથે જ વિવિધ રો-મટીરિયલ્સના દરમાં પણ વધારો થયો છે.જેની સીધી અસર યાર્નના દર પર પડી છે. 3 માસમાં પોલિએસ્ટર યાર્નના દરમાં રૂ.40 જ્યારે નાયલોન યાર્નના દરમાં રૂ.50 સુધીનો વધારો નોંધાયો છે.તેની સામે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન(ફોગવા)એ યાર્નના દર અંકુશમાં નહીં આવે તો તેની ખરીદી અટકાવવા સ્પીનર્સને ચીમકી આપી છે.

થોડા સમયથી ફરી સ્પીનર્સ અને વીવર્સ વચ્ચે યાર્નના વધતાં દરનો મુદ્દો ગરમાયો છે.આ મુદ્દે સ્પીનર્સ વર્ગનું કહેવું છે કે,જે શિપિંગ ચાર્જીસ 1250 ડોલર હતા.તે વધીને 2150 ડોલર થઈ ચૂક્યાં છે.વધુમાં રો-મટીરિયલ્સની શોર્ટ સપ્લાયના કારણે તેના પણ દર ઉંચા ગયા છે.તેની અસરના પગલે યાર્નના દરમાં વધારો નોંધાયો છે.

જ્યારે વીવર્સનું કહેવું છે કે, શિપિંગ ચાર્જ અને રો-મટીરિયલ્સના વધતાં દરને મુદ્દો બનાવીને સ્પીનર્સ યાર્નના દરમાં મનફાવે તેમ ઉછાળો આપી રહ્યાં છે.ત્યારે શનિવારે ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ સ્પીનર્સને ચીમકી આપતાં જણાવ્યું છે કે,અનલોક બાદ ક્રુડ,એમઈજી,પીટીએ જેવી પ્રોડક્ટના દરમાં કોઈ પણ વધારો નોઁધાયો નથી.તેમ છતાં પોલિએસ્ટર યાર્નના દરમાં રૂ.40 જ્યારે નાયલોન યાર્નમાં રૂ.50 થી 60નો વધારો થઈ ચૂક્યો છે.જો સ્પીનર્સ વીવર્સનું શોષણ બંધ નહીં કરે તો યાર્નની ખરીદી બંધ કરવામાં આવશે.આ મુદ્દા અંગે યાર્ન ડીલર્સ જણાવી રહ્યાં છે કે,રો-મટીરીયલ મોંઘા થવાની સાથે ફેબ્રિકસની ડિમાન્ડ પ્રમાણમાં ઓછી છે. એવામાં યાર્નના દર વધી રહ્યા છે.જેની મોટી અસર વીવીંગને થઇ રહી છે.

Share Now