બગવાડા ફાટક પાસે 62 કરોડના ખર્ચે બે માર્ગીય રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ

277

– 18 માસમાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાનો દાવો
– ટોલનાકા પાસે ટ્રાફિક જામની સમસ્યા પણ હલ થશે

વાપી : વાપી નજીક બગવાડા ટોલનાકા નજીક રેલવે ફાટક પાસે ટ્રાફિક જામનો પ્રશ્ન હવે કાયમી હલ થશે.કારણ કે ડીએફસીસીના પ્રોજેકટ અંતગર્ત બગવાડા ફાટક પાસે 62 કરોડના ખર્ચે બે માર્ગીય રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઇ ચુકી છે.આગામી 18 માસમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે.જેના કારણે રોજના ચારથી પાંચ હજાર જેટલા વાહનોને નવી સુવિધા મળશે.બગવાડાથી ઉદવાડા અને પારડી તરફ વાહન ચાલકો જતાં હોય છે.

વાપી હાઇવે સ્થિત બગવાડા રેલવે ફાટક બંધ રહે ત્યારે વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે.અકસ્માતો ન બને તે માટે રેલવે વિભાગે તમામ ફાટકો બંધ કરી રેલવે બ્રિજો બનાવવાનું આયોજન કર્યુ છે.ડીએફસીસીના માગદર્શન હેઠળ બગવાડા ફાટક પાસે બે માર્ગીય બ્રિજ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. 62 કરોડના ખર્ચે બે માર્ગીય રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

આ રેલવે ઓવરબ્રિજનો સમગ્ર પ્રોજેકટ ડીએફસીસી દ્વરા તૈયાર કરવામાં આવ્યો છે.થોડા મહિનાઓ પહેલા આ પ્રોજેકટનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. હવે રેલવે બ્રિજના નિર્માણથી બગવાડા,ઉદવાડા તથા આજુબાજુના ગામોના લોકોને નવી સુવિધા મળશે.બગવાડા રેલવે ફાટક કાયમ માટે નિકળી જવાથી રોજના ચારથી પાંચ હજાર વાહન ચાલકોને રાહત થશે.

હાઇવે-રેલવે લાઇનની વચ્ચે બનશે બ્રિજ

બગવાડા ફાટક પાસે બે માર્ગીય રેલવે ઓવરબ્રિજ રેલવે લાઇન તથા નેશનલ હાઇવે પર બનશે.જેના કારણએ હાઇ‌વેને અડીને આવેલાં દબાણો માર્જિનમાં આવશે તો તેને હટાવામાં આવશે.વાપી પીડબલ્યુડી વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ આગામી 18 માસમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ થવાની મુદ્ત છે.હાલ ઝડપથી કામગીરી સ્થળ પર ચાલી રહી છે.

બલીઠા રેલવે ઓવરબ્રિજની કામગીરી ઠપ

બલીઠા ફાટક પાસે તૈયાર થઇ રહેલા બલીઠા રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલ બંધ જોવા મ‌ળી રહી છે.જેના કારણે આ પ્રોજેકટ વધુ વિલંબમાં મુકાઇ રહ્યો છે.આ પ્રોજેકટ માટે આવતાં અડચણોને દુર કરવાની તાતી જરૂરિયાત છે.બલીઠા ઓવરબ્રિજના નિર્માણ બાદ નવા વાપી ફલાય ઓવરબ્રિજની કામગીરી શરૂ થવાની છે.

Share Now