– રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 7 ડિગ્રીની નીચે જઇ શકે
– રાજ્યમાં ઠંડી સામાન્ય ઘટતા લોકોને રાહત, નલિયા 8, અમદાવાદ 13.4
અમદાવાદ : શિયાળાની ઋતુ બરાબર જામી છે પરંતુ થોડા દિવસોને બાદ કરતા હજુ જોઇએ તેવી ઠંડી પડી રહી નથી.હવામાન શાસ્ત્રીઓના મત અનુસાર દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા થશે તેથી આગામી 28-29 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઇ જશે અને રાજ્યના કેટલાક ભાગોમાં પારો 7 ડિગ્રીની નીચે પણ જઇ શકે છે.બે દિવસથી સામાન્ય ઠંડી પડી રહી છે જેના કારણે લોકોને રાહત મળી છે.આજે 8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયુ હતું.
હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી છે કે, ડિસેમ્બર 28થી 29 દરમિયાન ઠંડી જોર પકડતી જાય, સામાન્ય રીતે સૂર્ય જ્યારે મકરવૃત તરફ જતો હોય છે ત્યારે ઠંડીની શરૂઆત થતી હોય છે.નવેમ્બરમાં સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત તરફ જતો હોય છે પરંતુ આવા વખતે ઉત્તર ગુજરાતની ખુલ્લી ધરતી દિવસે શિયાળાની શરૂઆતમાં સૂર્યના તાપથી તપે છે પરંતુ રાત્રે ઝડપથી ઠરી જાય છે.આથી અગાઉના દિવસોમાં બેવડી ઋતુનો અહેસાસ થાય છે. જેમાં દિવસ ગરમ અને રાત્રિનું તાપમાન ઘટી જવાથી ઠંડીનો અહેસાસ થાય છે.
હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ બંગાળની ખાડી પર સાયક્લોનિક સરક્યુલેશન અને અરબી સમુદ્ર પર લો પ્રેશનર અને ગુજરાતના પૂર્વ ભાગ તરફ અપર એર સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ એક સિસ્ટમ સક્રિય છે.આ સિસ્ટમની ગુજરાતના વાતાવરણ પર મોટી અસર થાય તેમ નથી.પરંતુ ઠંડી વધવાની વકી છે.બંગાળની ખાડીની સાયક્લોનિક અસરને કારણે દક્ષિણ ભારતમાં સામાન્યથી હળવા વરસાદની વકી છે.આગામી દિવસો દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.જોકે,છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાન વધી રહ્યું છે.દિવસનું તાપમાન 30 ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરે સામાન્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે.જ્યારે લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.