સુરત : તા.1લી જાન્યુ.થી દેશભરમાં હાઇવે પરના ટોલનાકે ફાસ્ટેગનો અમલ ફરજિયાત કરીને કેસની લાઈનો બંધ કરાવનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.ત્યારે ભાટીયા અને કામરેજ ટોલનાકે જીજે-5 અને જીજે-19ની આરટીઓ પાર્સિગ ગાડીઓએ જે અત્યાર સુધી ટેક્સ ભરવામાંથી મુક્ત હતી,તેઓએ કામરેજ ટોલનાકે અવર-જવરના રૂ.40 જ્યારે ભાટીયા ટોલનાકે રૂ.165નો ચૂકવણીનો બોજ આવશે.જેની સામે ના કર ટોલ બચાવ સમિતિ ફરી મેદાનમાં ઉતરી છે.કલેક્ટરને આવેદન આપી ચીમકી આપી છે કે, જો તા.1લી જાન્યુ.પછી સુરતની ગાડીએ ટોલની જવાબદારી આવી તો હાઈવે જામ કરાશે.
એક વર્ષ પૂર્વે ના કર ટોલ બચાવ સમિતિ દ્વારા ભાટીયા અને કામરેજ ટોલનાકે નોંધાવવામાં આવેલા વિરોધને પગલે સરકારે નમતું જોખીને સુરતની ગાડીઓ માટે કેશ લેનની વ્યવસ્થા કરી હતી.જોકે, હવે ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાયું છે.જેથી સુરતની પ્રવેશ હદ્દ સમાન ભાટીયા અને કામરેજ ટોલનાકે સુરત પાર્સિગ ગાડીઓ(જીજે-5 અને જીજે-19)એ પણ ટોલ ભરવાની જવાબદારી આવશે.જેનો વિરોધ નોંધાવતાં ના કર ટોલ બચાવ સમિતિના સહકારી સેક્ટર અને રાજકીય આગેવાન દર્શન નાયક,દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના રમેશ પટેલ,પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ પટેલ તથા જયેન્દ્ર દેસાઈએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે.
1 વર્ષ પૂર્વે હાઈવે જામ કરાતા સરકાર ઝૂકી 2 કેશ લેન કાર્યરત કરાઈ હતી, હવે બંધ
અગાઉ સુરત જિલ્લાના ગ્રામ પંચાયતના સરપંચ,રાજકીય પક્ષના આગેવાનો,વિવિધ ઔદ્યોગિક,સામાજિક,ધાર્મિક,શૈક્ષણિક,બાર એસોસિએશન,ગ્રામજનો વગેરેને ટોલમાંથી રાહત હતી.સુરત જિલ્લાના કામરેજ,ઉમરપાડા,માંગરોળ,પલસાણાં,ચોર્યાસી,બારડોલી,માંડવી અને ઓલપાડ સહિતના અંદાજે 15,000થી વધુ વાહનો દરરોજ આ બંને ટોલનાકેથી પસાર થાય છે.
ફાસ્ટેગ ફરજિયાત કર્યું,સરકાર નિવારણ ન લાવી
સરકારે ફાસ્ટેગ તો ફરજિયાત કરી દીધુ પરંતુ તેમાં જોવા મળી રહેલી ખામીઓ ઘણી છે. 27 ડિસેમ્બરે અમે જ્યારે ઘરે હતા ત્યારે મોબાઈલ પર મેસેજ અને ઈ-મેઈલ થકી જાણ કરાય કે અમારી ગાડી ભાટીયા ટોલનાકેથી પસાર થઈ છે ત્યારે રૂ.110 અને રાત્રિના પરત ફરતી વખતે રૂ.55 કપાય ગયા હતા.ફાસ્ટેગ ખરીદ્યુ તે બેંકના કસ્ટમર કેર અને હાઈ-વે ઓથોરિટીમાં પણ ફરિયાદ કરી હતી.ભાટીયા ટોલ પ્લાઝાના ટોલ નંબરથી જાણવા મળ્યું કે અન્ય ગાડી ત્યાંથી પસાર થતી વેળાએ અમારા ખાતામાં ટોલ કપાયો છે.આ ટેકનિકલ ક્ષતિ અંગે યોગ્ય નિરાકરણ મળી શક્યું નથી. > સમીર રાવલ, એડવોકેટ
માંગ ન સ્વીકારી તો હાઈ-વે જામ, આજે મીટિંગ
સોમવારે અમે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે.આજે મંગળવારે અમારી સમિતિની મીટિંગ મળશે, જેમાં આગળની રૂપરેખા નક્કી કરવામાં આવશે. જો અમારી માંગને યોગ્ય ન્યાય નહીં મળશે.તો અમે હાઈ-વે જામ કરીશું. > દર્શન નાયક, જિલ્લા પંચાયત અને ના-કર ટોલ બચાવ સમિતિ સભ્ય