પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ચિખલી પાસે વડોદરા પોલીસે ધરપકડ કરી

732

21.80 લાખની છેતરપિંડીના કેસમાં આગોતરા માટે જામીન અરજી અદાલતે ફગાવી દેતા ભેજાબાજ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો

વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને વડોદરા પોલીસે ચિખલી પાસે આવેલા માલવાળા ગામ નજીક હોટલ રીચા રેસ્ટ્રો એન્ડ ડિલાઇટ ફુડ પાસેથી ઝડપી પાડ્યો છે. ૨૧.૮૦ લાખની છેતરપિંડીના કેસમાં આગોતરા માટેની જામીન અરજી અદાલતે ફગાવી દેતાં આ ભેજાબાજ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે તે સોશ્યલ મિડીયા પર સક્રિય રહ્યો હોવાની શંકાથી પોલીસે તેના આધારે વોચ ગોઠવી દીધી હતી.

વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂજી પ્રશાંત મહેશચંન્દ્ર ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી ૨૧.૮૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા ત્રણ વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આ પાખંડી અને ભેજાબાજને પકડવા માટે તેના ગોત્રી વિસ્તારમાં આવેલ મધર્સ સ્કુલ પાછળ દયાનંદ પાર્ક ખાતેના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આ અરસામાં પ્રશાંત ઉપાધ્યાયે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારસીયા પોલીસે ટીમો બનાવીને પ્રશાંત ઉપાધ્યાયની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પ્રશાંત મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે વોચ ગોઠવી તેનો પીછો કરીને ચીખલી નજીક નેશનલ હાઇવે પર માલવાળા ગામ પાસે આવેલી રીચા રેસ્ટ્રો એન્ડ ડિલાઇટ ફૂડ હોટલ પાસેથી પાખંડી પ્રશાંત ઉર્ફે ગુરૂજી મહેશચંદ્ર ઉપાધ્યાયની ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બગલામુખી મંદિરના પાંખડી પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ અને પુરૂષો સાથે ગરબા રમતો વીડિયો વાયરલ થયો હતો. તે પહેલા પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત પ્રશાંત ઉપાધ્યાય સામે તેના અનુયાયીઓએ આક્ષેપો કર્યાં હતા.

Share Now