– 20.20 MLDના પ્લાન્ટથી શહેરના ડ્રેનેજ નિકાલની વધુ સુવિધા
વલસાડ : વલસાડ શહેરમાં ડ્રેનેજના જર્જરિત પ્લાન્ટની જગ્યાએ રૂ.27 કરોડના ખર્ચે નવ નિર્મિત એસટીપી પ્લાન્ટનું સીએમ વિજય રૂપાણી દ્વારા સોમવારે ઇ-લોકાર્પણ કરાયું હતું.આ નવા પ્લાન્ટની ક્ષમતા 20.20 એમએલડી હોવાથી શહેરના ડ્રેનેજ પાણીના ટ્રીટમેન્ટ અને નિકાલની સમસ્યાનો અંત આવશે.
વલસાડ નગરપાલિકા દ્વારા અમૃતમ યોજના હેઠળ રૂ.27.30 કરોડની ગ્રાન્ટ સરકારે ફાળવી હતી.આ પ્રોજેક્ટ તૈયાર થતાં 3 વર્ષનો સમય લાગ્યો હતો.છેવટે એસટીપી પ્લાન્ટ તૈયાર થઇ જતાં સોમવારે મોરારજી દેસાઇ ઓડિટોરિયમાં યોજાયેલા કાર્યક્રમ હેઠળ સીએમ વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી આ એસટીપી પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાયું હતું.સીએમએ પાલિકાઓ તમામ સુવિધાઓથી સંપન્ન થાય તેવા તમામ પ્રયત્નો તથા શહેરીજનોને શુધ્ધ પાણી,ડ્રેનેજ,ભૂગર્ભ ગટરો,ફિલ્ટર વોટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નલ સે જલ મળે તેવી વ્યવસ્થાને અગ્રીમતા આપી હોવાનું જણાવ્યું છે.
ધારાસભ્ય ભરતભાઇ પટેલે સરકાર પાલિકાઓના વિકાસના કામો માટે કટિબધ્ધ છે તેમ કહ્યું હતું.કલેકટર આર.આર.રાવલે શહેરની સુખાકારી માટે વહીવટીતંત્ર સમર્પિત છે તેવી ખાત્રી આપી હતી.સીઓ જે.યુ.વસાવા,પ્રમુખ કિન્નરી પટેલ,ઉપપ્રમુખ કિરણ ભંડારી,સિટી ઇજનેર હિતેશ પટેલ,પાલિકા સભ્યો હાજર રહ્યા હતા.