– પાકિસ્તાનની કોર્ટે હત્યારાઓને મુક્ત કર્યા હતા
ઇસ્લામાબાદ/ વૉશિંગ્ટન : અમેરિકાએ પાકિસ્તાનને ખખડાવતાં કહ્યું હતું કે પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાઓને તમે સજા ન કરી શકતા હો તો અમને સોંપી દો. અમે ઘટતું કરીશું.
આઇએસઆઇ અને પાકિસ્તાનના લશ્કરના ઇશારે તાજેતરમાં પાકિસ્તાનની સિંધ હાઇકોર્ટે પર્લના હત્યારાઓને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.પાકિસ્તાન સતત આવું કરતું રહે છે. મુંબઇ પર દરિયાઇ માર્ગે હુમલો કરનારા આતંકવાદીઓના આકા મસૂદ અઝહર અને મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ કરનારા રીઢા આતંકવાદીઓ આજે પણ પાકિસ્તાનમાં બેરોકટોક ફરી રહ્યા છે.
અમેરિકાએ આ મુદ્દે કડક વલણ દાખવ્યું હતું.અમેરિકાના કડક વલણ પછી એવા અહેવાલ હતા કે ઇમરાન ખાનની સરકારે આ હત્યારાઓની મૂક્તિ અટકાવી દીધી હતી. જો કે ખરેખર એવું થયું છે કે કેમ એ જાણવાનું કોઇ સાધન નથી.અમેરિકાના એટર્ની જનરલ જેફરી રોઝેને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ડેનિયલ પર્લની હત્યાનો કેસ ન સંભાળી શકતું હોય તો હત્યારા અમેરિકાને સોંપી દો.અમે એ કેસ સંભાળી લઇશું.
રોઝેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાની સરકારી અધિકારીઓ પર્લને ન્યાય આપવામાં નિષ્ફળ જતા હોય તો પર્લના હત્યારો ઉમર શેખ અમેરિકાને સોંપી દો. અમે એની સામે કાયદેસર કામ ચલાવીશું.આવા હત્યારાઓને મુક્ત કરીને તમે આતંકવાદનો ભોગ બનેલા પીડિતોને આઘાત આપવાનું કામ કરી રહ્યા છો.
અમેરિકાએ પાકિસ્તાનની ન્યાય પદ્ધતિ અને ન્યાય આપવાના પાકિસ્તાનના ઇરાદા અંગે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમર શેખ પર્લની હત્યાનો મુખ્ય આરોપી હતો.ગયા અઠવાડિયે સિંધ હાઇકોર્ટમાં બે જજોની બનેલી બેન્ચે આઇએસઆઇ અને પાકિસ્તાની લશ્કરના ઇશારે ડેનિયલ પર્લના હત્યારા ઉમર શેખ અને એના બીજા ત્રણ સાથીદારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.સિંધ હાઇકોર્ટના આ ચુકાદાથી અમેરિકા ચોંકી ઊઠ્યું હતું.
એક સ્ટોરીની તપાસ કરવા અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટનો પત્રકાર ડેનિયલ પર્લ 2002માં કરાચીમાં હતો ત્યારે પહેલાં એનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એની હત્યા કરી દેવામાં આવી હતી.કરાચીની ભાગોળે પર્લનો મૃતદેહ મળી આવ્યો હતો.પાકિસ્તાનની પોલીસે એની હત્યાની તપાસમાં ગોટો વાળી દીધો હતો.આ હત્યા આતંકવાદીઓએ કરાવી હશે એવી ગોળ ગોળ વાત પોલીસે કરી હતી.