નવી દિલ્હી, તા.૨૫: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માનમાં આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારોહ યોજાશે. આ ભોજન સમારોહના મેન્યૂમાં જેના પર બધાની નજર હશે તે વાનગીનુ નામ છે દાળ રાયસીના, આ એક વિશેષ પ્રકારની દાળ છે જે રાષ્ટ્રપતિ ભવનમાં જયારે પણ કોઈ વિશેષ મહાનુભાવ આવે છે ત્યારે ભોજનમાં પીરસવામાં આવતી હોય છે. આ દાળને બનાવવામાં ૪૮ કલાક લાગે છે. તેમાં નાંખવામાં આવતી કસૂરી મેથી અને કેસર દાળના સ્વાદને અલગ જ બનાવે છે. ૨૦૧૦માં રાષ્ટ્રપતિ ભવનના તત્કાલીન શેફ મચિન્દ્ર કસ્તૂરેએ આ દાળની રેસિપી બનાવી હતી. જેમાં એ પછી બીજી ઘણી વસ્તુઓ ઉમેરાઈ છે. દાળ બનાવવા માટે અડદ અને રાજમાને પલાળવામાં આવી છે અને આખી રાત રાખવામાં આવે છે. એ પછી તેને ધીમી આંચ પર ૬ થી ૮ કલાક રાખવામાં આવે છે. દાળમાં નાંખવામાં આવતા મસાલા પણ ખાસ હોય છે. કસ્તૂરેનુ કહેવુ છે કે રાષ્ટ્રપતિ ભવનના કિચનમાં અમે હંમેશા અલગ અલગ પ્રયોગ કરતા હોઈએ છે અને દાળ રાયસીના આવા જ એક પ્રયોગનુ પરિણામ છે. આજે સાંજે સાત વાગ્યે પરિવાર સાથે ભોજન સમારોહમાં ટ્રમ્પ ભાગ લેશે. ભોજન સમારોહમાં આમંત્રિત મહેમાનોને ટ્રમ્પ મળશે. લગભગ ૧૦૦ લોકોને આ સમારોહમાં આમંત્રણ અપાયુ છે. એ પછી રાતે ૧૦ વાગ્યે ટ્રમ્પ અમેરિકા જવા રવાના થશે.