– પાણીથી વાહનચાલકો ગબડી પડવાના બનાવો પણ બન્યા છે
બીલીમોરા : બીલીમોરા રેલવે અંડરપાસમાં ગટરીયા પાણીનું ભેગું થતા ત્યાંથી આવતા જતા વાહનચાલકો હાલાકિનો સામનો કરી રહ્યા છે.ગટરીયા પાણીના કારણે દુર્ગંધ પણ પ્રસરી છે ત્યારે આ કાયમી સમસ્યાનો વહેલી તકે નિકાલ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.બીલીમોરા મુખ્ય ફાટક બંધ હોવાના સમયે રેલવે અંડરપાસમાંથી જ લોકોએ વાહનો લઈ જવા પડે છે.પૂર્વ-પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં છેલ્લા કેટલાય સમયથી ગટરીયા પાણી ભરાવાના કારણે લોકોને હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે.ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી લોકોએ વાહન લઈ જવું પડે છે.
ગંદા પાણીના કારણે વાહનચાલકો ફસડાઈ પડી જવાના બનાવો પણ બન્યા હતા.ચોમાસામાં વરસાદના પાણી લાંબો સમય સુધી ગરનાળામાં ભરાઈ રહે છે.પાલિકાએ જુના કડકા પુલને તોડી નવો સ્લેબ ડ્રેન બનાવવામાં આવ્યો છે.આ નવો પુલના પાયાનો સ્લેબનો ભાગ થોડો વધુ ઊંચો કરી દેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે,જેના કારણે લાંબા સમય સુધી આ પાણીનો નિકાલ થતો નથી અને રેલવે અંડરપાસમાં જ ભરાઈ રહે છે.રવિવારે રેલવે અંડરપાસ નજીકના ખાડામાંથી ગંદુ પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.નગરપાલિકા તંત્ર વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અંડરપાસમાં લાંબા સમય સુધી જમા રહેતા આ ગંદા પાણીનો કાયમી નિરાકરણ લાવે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે.