ધરમપુર જમીન વિકાસ કચેરીના નિવૃત્ત અધિકારીના જામીન રદ

327

– આવક કરતાં 3.41 કરોડની વધુ સંપત્તિ ACBની તપાસમાં મળતા ધરપકડ કરાઇ હતી

વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુરમાં ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીમાં ખેત તલાવડીના લાખોના ભ્રષ્ટાચારની તપાસ કરતી એસીબીએ આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના ચકચારી કેસમાં નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર સુરેશ કિશોરીની ગત સપ્તાહે તેના વતન ઝાલોદથી ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.આ આરોપીએ ધરમપુરના સ્પે.જજ પી.કે.લોટિયા સમક્ષ જામીન અરજી કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી સ્પે.જજે અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના અધિકારીઓ,કોન્ટ્રાકટરોએ એકબીજાના મેળાપીપણાંમાં ખેડૂતોને સિંચાઇ માટે સરકારી યોજના હેઠળ ખેત તલાવડી બનાવવા માટે ફાળવવામાં આવતી લાખોની ગ્રાન્ટ ચાઉ કરી ગયા હોવાનો પર્દાફાશ એસીબી વિભાગે કર્યો હતો.આ કચેરીના નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર સુરેશ રમણભાઇ કિશોરી રહે.સર્વોદય સોસાયટી,બાંસવાડા રોડ, ઝાલોદ,જિ.દાહોદ વિરૂધ્ધ આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઇ આર.કે.સોલંકીએ 24 ડિસેમ્બર 2020ના રોજ દાખલ કરી હતી.

જેની તપાસમાં આરોપી સુરેશ કિશોરી અને તેના પરિવારની આવક બેંક ખાતા અને સંપત્તિ જોતાં કુલ રૂ.3,41,68,339 જેટલી અપ્રમાણસર મિલકત બહાર આવી હતી.આ ગુના હેઠળ સુરેશ કિશોરીની ઝાલોદથી ધરપકડ કર્યા બાદ તેને જેલ ભેગો કરાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી સુરેશ કિશોરીએ ધરમપુર કોર્ટના સ્પે.જજ પી.કે.લોટિયા સમક્ષ જામીન માગતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

Share Now