નવી દિલ્હી : કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો અંગે રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે વિવાદિત નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે ‘કેટલાક તથાકથિત ખેડૂત કૃષિ કાયદાનો વિરોધ કરી આંદોલન કરી રહ્યા છે. આ તથાકથિત ખેડૂતો કોઈ પણ આંદોલનમાં ભાગ લેતા નથી પરંતુ ખાલી સમયમાં ત્યાં બેસીને બિરિયાની અને ડ્રાઈફ્રૂટ્સનો આનંદ લઈ રહ્યા છે.આ બધુ તેમને બર્ડ ફ્લૂ ફેલાવવાનું ષડયંત્ર છે.’
ભાજપ વિધાયક મદન દિલાવરે વધુમાં કહ્યું કે ‘ખેડૂતોની વચ્ચે આતંકવાદી, લૂટેરા અને ચોર હોઈ શકે છે અને તેઓ ખેડૂતોના દુશ્મન પણ હોઈ શકે છે.આ બધા લોકો દેશને બરબાદ કરી શકે છે.જો સરકાર આંદોલન સ્થળોથી તેમને નહીં હટાવે તો બર્ડ ફ્લૂ એક મોટી સમસ્યા થઈ શકે છે.’
અત્રે જણાવવાનું કે દિલ્હીમાં દોઢ મહિનાથી પોતાની માગણીના સમર્થનમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે કેન્દ્ર સરકાર સતત વાર્તા કરીને સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે.આ બધા વચ્ચે ભાજપ નેતા મદન દિલાવરનું આવું વિવાદિત નિવેદન રાજકીય વિવાદને હવા આપી શકે છે.મદન દિલાવરનું આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ વાયરલ થઈ રહ્યું છે.
ખેડૂત નેતાઓએ કરી ટીકા
ભાજપના પ્રદેશ મહામંત્રી મદન દિલાવરના નિવેદનની ખેડૂત નેતાઓએ આકરા શબ્દોમાં ટીકા કરી છે.આ નેતાઓએ મદન દિલાવર પર સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો આરોપ લગાવ્યો છે.અખિલ ભારતીય કિસાન મહાસભાના પ્રદેશ ઉપાધ્યક્ષ દુલીચંદ બોરદાએ મદન દિલાવર દ્વારા અપાયેલા નિવેદન પર પલટવાર કર્યો છે.
બોરદાએ કહ્યું કે મદન દિલાવર અને ભાજપના નેતા કિસાન આંદોલન શરૂ થતા જ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.અલોકતાંત્રિક રીતના નિવેદનો આપીને કિસાન આંદોલનને ખતમ કરવાની કોશિશ થઈ રહી છે.પરંતુ આંદોલન પર ભાજપના નેતાઓના નિવેદનોની કોઈ અસર થવાની નથી.


