રાષ્ટ્રીય કોળી સમાજના પ્રમુખ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગુજરાતના કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાને સસ્પેન્ડ કર્યા છે.ગુજરાત કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા ઉપર સમાજના લેટરપેડનો ખોટી રીતે ઉપયોગ કર્યાનો ઉલ્લેખ કરતા કહેવાયું છે કે ખેડુત આંદોલન અને LRDના જવાનોને ચંદ્રવદન પીઠાવાલાએ ટેકો આપતા લેટરપેડનો ખોટો ઉપયોગ કર્યો હતો જેને લઇને કુંવરજી બાવળીયાએ ચંદ્રવદન પીઠાવાલાને સસ્પેન્ડ કર્યાનો પત્ર લખ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રવદન પીઠાવાલાનું કહેવું છે કે કુંવરજી બાવળિયાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થઇ ગયો છે જેથી તેમને કોઇપણ નિર્ણય લેવાની સત્તા નથી તેમજ હજુ સુધી મને કોઇ લેટર મળ્યો નથી અને મે લેટર પેડનો દુરઉપયોગ કર્યો હોઈ તો તે તેમણે સાબિત કરવાનું છે.અખિલ ભારતીય કોળી સમાજ – નવી દિલ્હીની રજીસ્ટર સામાજીક સંસ્થા છે.આ સંસ્થા કોળી સમાજના વિકાસ અને ભારતભરમાં વસ્તા કોળી સમાજના સામાજિક ઉત્થાનનું કાર્ય કરે છે.આ સંસ્થા કોઈપણ રાજકીય પ્રવૃતિમાં કયારેય પોતાનો મત કે અભિપ્રાય આપતી નથી.સંસ્થાના મુખ્ય તમામ હોદેદારો પણ કયારેય રાજકીય પક્ષને સંગઠનના નામે લેટર પેડ ઉપર પોતાનો અભિપ્રાય કે મત આપતા નથી.સંસ્થાના બંધારણ મુજબ રાજકિય બાબતોથી પર રહી આ સંસ્થાએ કાર્ય કરવાનું હોય છે.


