ગણદેવી : ગણદેવી સુગર ફેક્ટરી વ્યવસ્થાપક મંડળની ચૂંટણીનું શુક્રવાર રાત્રે રસપ્રદ પરીણામ આવ્યું હતું જેમાં ૧૬ બેઠકો પૈકી ૧ બિનહરીફ સહિત ૧૪ બેઠકો ઉપર ચેરમેનની પેનલનો ભવ્ય વિજય થયો હતો.ચેરમેન જ્યંતિભાઈ પટેલ એ સૌથી વધુ ૧૫૯૩ મતો મેળવી ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો.સમન્વય પેનલે ૧૬ પૈકી ૧૪ બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો.
ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ વ્યવસ્થાપક મંડળ ચૂંટણીની મતગણતરી શુક્રવારે બપોરે બે ના ટકોરે શરૂ થઈ હતી.ખેડૂત સભાસદોની ભારે ભીડ અને ઉત્કંઠા વચ્ચે મતગણતરી બાદ પ્રથમ ગણદેવીની બે બેઠકનું પરીણામ જાહેર થયું હતું.જે બાદ ક્રમશઃ વિજેતા ઉમેદવારો સામે આવ્યા હતા.અબીલ ગુલાલની છોડો અને ફટાકડાની આતશબાજી વચ્ચે સમર્થકોએ જીતને વધાવી હતી.ખેડૂતોના મસીહા તરીકે જાણીતા જયંતિભાઈ પટેલ સૌથી વધુ ૧૫૯૩ મતો મેળવી વિજેતા બન્યા હતા. તેમની સમન્વય પેનલ એ ૧૬ પૈકી ૧ બિનહરીફ સહિત ૧૪ બેઠકોની જીત તરફ અગ્રેસર હતા.જ્યારે સામાપક્ષે માંડ ૨ બેઠકો મળી હતી.ગણદેવી સુગરમાં ત્રણ દાયકા કરતાં વધારે સમયથી ચેરમેનપદે કાર્યરત રહી દેશભરમાં ખેડૂતોને શેરડીનો સૌથી વધુ ભાવ આપવાનું બહુમાન મેળવનાર જયંતીભાઈ પટેલને ફરી ચેરમેન બનવા માટેનો માર્ગ મોકળો બન્યો હતો.
ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિ.(સુગર ફેકટરી) નાં સંચાલક મંડળની ચૂંટણી જેમાં વિભાગ-૧ ગણદેવીની ૨ બેઠકો ઉપર, અભિષેક પટેલ ૪૦૫ મતો, અને રાજેશભાઈ પટેલ ૪૦૪ મતો, વિભાગ-૨ નવસારીની ૪ બેઠકો ઉપર જયંતિભાઈ પટેલ ૧૫૯૩, રણજીત પટેલ ૧૪૯૧, અરુણ પટેલ ૧૪૧૯, સન્મુખભાઈ પટેલ ૧૩૩૧, વિભાગ-૩ ચીખલીની ૩ બેઠક ઉપર મોડી રાત્રે ગણતરી ચાલી રહી છે, વિભાગ-૪ વલસાડની ૧ બેઠક ઉપર કાંતિભાઈ પટેલ ૨૪૫ મતો , વિભાગ-૫ મહુવાની ૧ બેઠક ઉપર અલ્પેશ દેસાઈ ૩૬૧ મત, વિભાગ-૬ વાંસદાની ૧ બેઠક ઉપર ગણપતસિંહ ચૌહાણ ૧૩૬ મતો, અનુસૂચિત જાતિ – જનજાતિ ની ૧ બેઠક ઉપર વિરેન્દ્ર પટેલ બિનહરીફ વિજેતા, બ વર્ગ સામાન્ય વ્યક્તિ( બિન ઉત્પાદક) મંડળી ના પ્રતિનિધિ ની ૧ બેઠક ઉપર અમરતભાઈ નાયક ૧૯૭ મતો, મહિલા ની ૨ બેઠક ઉપર કામિની નાયક અને પૂનમ દેસાઈએ જીત મેળવી હતી.આ વ્યવસ્થાપક સમિતિના ચૂંટણી માટે ચૂંટણી અધિકારી ગણદેવી સુગરના એમડી બીડી પબ્સેત્વર, નિવૃત્ત નાયબ કલેકટર સીએન પટેલ, નિવૃત મામલતદાર સતીશ એમ. નાયક, નિવૃત્ત આચાર્ય ઉમેશ બી પટેલ, એડવોકેટ બાબુભાઈ આર પટેલ,મદદનીશ ચૂંટણી અધિકારી નીતિન બી મહેતા અને મિતુલ પટેલ એ ફરજ નિભાવી હતી.


