કોરોનાને કારણે આકરા નિયમો અને માર્ગદર્શનોને પગલે આ વર્ષે ઉત્તરાયણની ઉજવણીમાં ભંગ પડ્યો છે.ત્યારે અમદાવાદીઓએ તહેવારને પરિવાર અને મિત્ર સાથે ઉજવવાનો જુદો જ રસ્તો શોધી લીધો છે.ઉત્તરાયણ ગુરુવારે હોવાથી ગુરુ-શુક્રની રજા અને ત્યારબાદ શનિ-રવિની રજા મળીને ઉત્તરાયણમાં આખું વીકેન્ડ મળતા શહેરીજનોએ રાજસ્થાન,ગોવા અને માલદીવ્સનાં બુકિંગ કરાવ્યાં છે.શહેરનાં ટ્રાવેલર્સે જણાવ્યું કે, ‘સામાન્ય રીતે ઉત્તરાયણમાં પતંગરસિયા ફરવા જવાનું ટાળતા હોય છે.પણ આ વર્ષે ડોમેસ્ટિક બુકિંગમાં 70 ટકાનો વધારો થયો છે. ઉદયપુર અને કુંભલગઢ અત્યારે ફૂલ પેક જઈ રહ્યું છે.ગોવાની ટિકિટનો ભાવ 14-15મીનાં રોજ ત્રણ ઘણો થઈ ચૂક્યો છે.’ એકંદરે લોકો ઉત્તરાયણ હવે દિવાળીની જેમ બહાર ઉજવવા જશે.
દેશભરમાંથી અમદાવાદ પતંગબાજી માણવા આવતા લોકો નહીં આવે,ટુરિઝમને ફટકો
સામાન્ય રીતે ઉત્તરાયણમાં લોકો દિલ્હી, રાજસ્થાન તેમજ વિદેશથી પંતગબાજી માણવા આવતા હોય છે.આ વર્ષે કોરોનાને કારણે લોકો બીજા શહેર-રાજ્યમાં જવાનું ટાળી રહ્યાં છે.જ્યારે અમદાવાદીઓ ઉત્તરાયણમાં આવેલી રજામાં ગોવા અને રાજસ્થાન ફરવા જઈ રહ્યાં છે.ગોવામાં રૂમ કે એપાર્ટમેન્ટનું ડબલ ભાડુ આપવા પણ તૈયાર થઈ રહ્યા છે. એકંદરે લોકો નિરસ રીતે ઉત્તરાયણ ઉજવવા કરતાં ટુરિઝમને વધુ પસંદ કરી રહ્યાં છે. ત્યારે ટૂર ઓપરેટર્સ કહી રહ્યાં છે કે આજ સુધી ઉત્તરાયણમાં આટલો બિઝનેસ ક્યારેય જોવા મળ્યો નથી.લોકો કોઇપણ ભાવ આપીને બહાર જવા માંગી રહ્યાં છે.
ઉત્તરાયણની જગ્યાએ લોકો રોડ ટ્રીપ પર જશે
ઉત્તરાયણમાં આ વખતે ઉજવણી નહીં કરીને ઘણાં લોકો હોલિડે એન્જોય કરવાનું પસંદ કરી રહ્યાં છે.જે કોઈ બુકિંગ આવ્યા છે તે સૌથી વધુ ઉદયપુર અને કુંભલગઢના રિસોર્ટનાં બુકિંગ છે. પરિવાર સાથે તેમજ ફ્રેન્ડ્સ સાથે લોકો રોડ ટ્રીપ એન્જોય કરવા નજીકનાં ડેસ્ટિનેશન પસંદ કરે છે. -ધવલ ગાંધી, બુક યોર વે હોલિડે
ઉત્તરાયણમાં વિલા-ફાર્મહાઉસ બુક થઇ ગયાં
સામાન્ય રીતે વિલા અને ફાર્મ હાઉસનાં બુકિંગ ફક્ત ન્યૂયર કે દિવાળીમાં આવતા હોય છે. જોકે, કોરોનાને કારણે આ વખતે ગુજરાત બહાર આવેલાં વિલા અને ફાર્મ હાઉસનું બુકિંગ ન્યૂયર કરતા પર બમણું થયું છે. લોકો ઉજવણીની જગ્યાએ બહાર જવાના પ્લાન વધુ કરી રહ્યાં છે. -દિનેશ બલવાની, લેટ્સ એન્જોય હોલિડે
ગોવાની ટિકિટના 3 ગણા ભાવ લોકોએ ચૂકવ્યાં છે
ઉત્તરાયણમાં ક્યારેય આવું બુકિંગ જોયું નથી. એવું લાગતુ હતું કે કોરોનામાં લોકો ઓછુ બહાર જવું પસંદ કરશે. પણ, આ વખતે પતંગરસિયાઓ ગોવા જવા ટિકિટનાં ત્રણ ઘણા ભાવ આપવા તૈયાર થઈ ચૂક્યા છે. કોરોનાને કારણે નિયમો પાળવા કરતાં ફરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. – દેવર્ષ કોઠારી, એટલાન્ટા વર્લ્ડ ટ્રાવેલ
આ વર્ષે ગુજરાત ટુરિઝમને ફટકો પડ્યો
ઉત્તરાયણનાં દિવસે લગભગ કોઈ બહાર જવા પ્લાનિંગ નથી કરી શકતા.પણ આ વર્ષે ટુરિઝમ સેક્ટરમાં ઉત્તરાયણનાં દિવસે ઘણાં બુકિંગ થયાં છે.પણ ગુજરાત ટુરિઝમનું માર્કેટ પણ થોડું નીચું ગયું છે.કારણ કે આ વખતે પતંગ ઉત્સવ ન થતા ગુજરાત ટુરિઝમને ફટકો પડ્યો છે.


