મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના મુરુંબા ગામમાં 800થી વધુ મરઘીઓનું મૃત્યુ બર્ડ ફ્લૂના કારણે થયું છે.સેમ્પલના તપાસ રિપોર્ટ દ્વારા સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ તરફ રાજધાની રિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. દિલ્હી સરકારના પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ,8 કાગડાઓ અને બતકના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
કૃષિ બાબતોની સંસદીય સમિતિએ આજે મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી મંત્રાલયના અધિકારીઓની બેઠક બોલાવી છે.બેઠકમાં પશુચિકિત્સા સેવાઓની સ્થિતિ અને પશુઓની વેક્સિનની ઉપલબ્ધતા વિશે ચર્ચા કરવામાં આવશે.
દિલ્હી: 118 પક્ષીઓ મૃત્યુ પામ્યા
દિલ્હી વિકાસ ઓથોરિટીના જુદા જુદા ઉદ્યાનોમાં રવિવારે 91 કાગડાઓ અને 27 બતકનાં મોત નીપજ્યાં હતાં.સંજય તળાવ પાસે આ વિસ્તારોને એલર્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર: મુખ્યમંત્રીએ બેઠક બોલાવી
મહારાષ્ટ્રના પરભણી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મુરુંબા ગામે 8000 પક્ષીઓને મારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગામના 10 કિમી વિસ્તારમાં ચિકનના ખરીદ-વેચાણ પર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ગામના લોકોની મેડિકલ તપાસ પણ કરાશે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બર્ડ ફ્લૂની સમીક્ષા માટે બેઠક બોલાવી છે
અત્યાર સીધીમાં આ 9 રાજ્યોમાં પહોંચ્યો બર્ડ ફ્લૂ
1. કેરળ
2. રાજસ્થાન
3. મધ્યપ્રદેશ
4. હિમાચલ પ્રદેશ
5. હરિયાણા
6. ગુજરાત
7. ઉત્તરપ્રદેશ
8. મહારાષ્ટ્ર
9. દિલ્હી
દેશમાં કોરોનાનું સંકટ ટળ્યું નથી ત્યાં બર્ડ ફ્લૂની સંકટ વધતું જઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં ગુજરાત સહિત 9 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે.નવા રાજ્યોમાં ઉત્તરપ્રદેશ છે, જ્યાં કાનપુરના ચકલીઘરમાં મૃત પક્ષીઓના સેમ્પલ પોઝિટિવ મળી આવતા લખનૌ સુધી ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે.અગાઉ મધ્યપ્રદેશ,રાજસ્થાન, ગુજરાત,હિમાચલપ્રદેશ,હરિયાણા અને કેરળમાં બર્ડ ફ્લૂના પુષ્ટિ કરવામાં આવી હતી.
કાનપુર પક્ષીઘરમાં બર્ડ ફ્લૂ
ઉત્તરપ્રદેશના કાનપુરથી બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે,જ્યાં ચકલી ઘરમાં ચાર મરેલા પક્ષીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ પક્ષીઘરને સીલ કરવામાં આવ્યું છે. કાનપુર પક્ષીઘરમાં છેલ્લા બે દિવસમાં 10 પક્ષીઓ મૃત્યુ પામ્યા છે.તંત્ર દ્વારા પક્ષીઘરના તમામ પક્ષીઓને મારવામાં આદેશ આપવામાં આવ્યા છે.કાનપુર તંત્રએ સમગ્ર વિસ્તારને રેડ ઝોન જાહેર કર્યો છે,અને કોઈ પણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
એલર્ટ પર લખનૌ પક્ષીઘર
કાનપુરની અસર રાજધાની લખનૌમાં પણ જોવા મળી રહી છે, અહીં સૌથી મોટી ચિંતા લખનઉ પ્રાણીસંગ્રહાલયની છે.બર્ડ ફ્લૂનો અવકાશ વધ્યા બાદ નવાબ વાજિદ અલી શાહ પ્રાણીસંગ્રહાલય એલર્ટ પર છે.ઝૂના તમામ પક્ષીઓના રહેણાક વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે.અંદર-બહાર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.એટલું જ નહીં, પક્ષીઓના ખાવામાં પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે.સાવચેતીના પગલા તરીકે વિટામિન અને મિનરલના વપરાશમાં વધારો કરવામાં આવ્યો હતો.
MPના 9 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ
મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂની પુષ્ટિવાળા જિલ્લાઓમાં સંક્રમણ વધતું જઈ રહ્યું છે.મંદસોર અને નીમચમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. સરકાર દ્વારા તેને અટકાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ઈન્દોરના એક મરઘાં ફાર્મમાં 450 જેટલી મરઘીઓને મારી નાંખવામાં આવી છે.અત્યાર સુધી રાજ્યના નવ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે.જેમાં ઈન્દોર,મંદસોર,આગાર-માલવા,નીમચ,દેવાસ, ઉજ્જૈન, ખંડવા, ખરગોના અને ગુના જિલ્લો સામેલ છે.
રાજસ્થાનના 11 જિલ્લાઓ બર્ડ ફ્લૂની ઝપેટમાં
25 ડિસેમ્બરે પહેલીવાર રાજસ્થાનના ઝાલાવાડથી પક્ષીઓના મૃત્યુના પ્રથમ સમાચાર સામે આવ્યા હતા.હવે રાજસ્થાનના 11 જિલ્લાઓ બર્ડ ફ્લૂની ઝપેટમાં છે.જેમાં સવાઈ માધોપુર, પાલી,દૌસા અને જેસલમેરનો પણ સમાવેશ થાય છે.સવાઈ માધોપુરમાં મૃત કાગડામાંથી બર્ડ ફ્લૂનો એચ 5 સ્ટ્રેઇન મળ્યો છે.જિલ્લામાં અત્યાર સુધીમાં 70 પક્ષીઓ મોતને ભેટ્યા છે,જેમાં કાગડા, મોર સહિતના પક્ષીઓ સામેલ છે. સવાઈ માધોપુરમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં રણથંભોર વન વિભાગ એલર્ટ પર છે.

