– ટાઉન પ્લાનીંગ એક્ટની જોગવાઇઓ વિરુદ્ધ જઇ 1.80ની જગ્યાએ 0.60ની બેઇઝ FSI ફાળવવામાં આવી
સુરત : સુરત આઉટર રીંગરોડને લઈને આઉટર રીંગરોડ સંઘર્ષ સિમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.સુરતમાં 0.60 બેઈઝ FSI આપી ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.આ સાથે સુરત જિલ્લામાં 1. 80 બેઈઝ FSI નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.
20-22 ગામોની હજારો હેક્ટર જમીન સસ્તા ભાવે લેવાનું ષડયંત્ર
આઉટર રીંગરોડ સંઘર્ષ સિમિતિએ જણાવ્યું હતું કે,સુરત શહેરની ફરતે સરકારશ્રી દ્વારા જાહેર કરેલ આઉટર રીંગરોડની બંને તરફ 500- મીટરના વિસ્તારમાં જાહેર કરેલા સુચીત નવા બેઇઝ એફએસઆઈમાં અન્યાય કરવામાં આવ્યો છે.આખા ગુજરાતમાં ફક્ત સુરત શહેરના આઉટર રીંગરોડ સંદર્ભે જમીન ગુમાવનાર ખેડુતોને મોટો અન્યાય કરવામાં આવ્યો છે.આ 20-22 ગામોની હજારો હેક્ટર જમીન સસ્તા ભાવે લેવાનું ષડયંત્ર છે.જીડીસીઆર તથા ટાઉન પ્લાનીંગ એક્ટની જોગવાઇઓ વિરુદ્ધ જઇ 1.80ની જગ્યાએ 0.60ની બેઇઝ એફએસઆઇ ફાળવવામાં આવી છે.જે તદ્દન ખોટું અને બંધારણીય હક્કો છીનવી લેવા જેવી કાર્યવાહી કરી છે. જેમાં તાત્કાલીક સુધારો કરવાની માગ છે.
આઉટર રિંગરોડ પ્રોજેક્ટ પૈકી 17.32 કિમીનું કામ શરૂ
સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા સુરતમાં પ્રવેશવા તથા બહાર નીકળવા માટેના મુખ્ય રસ્તાઓ ઉપરનું ટ્રાફિક ભારણ ઓછું કરવા માટે કુલ 66.77 કિમી લંબાઇનો અને 90 મીટરની પહોળાઇમાં ‘આઉટર રીંગરોડ’ બનાવવાનું આયોજન છે.આ રીંગરોડ સુરત શહેર સાથે લાગુ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેને જોડતો રોડ છે.જે પૈકી 39 કિમી લંબાઇનો રોડ છે.બાકી 28 કિમી લંબાઇનો રોડ ‘ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ’ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાંથી હાલમાં 17.32 કિમી લંબાઇમાં અને 45 મીટર પહોળાઇમાં આઉટર રીંગરોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
તાપી નદી પર વાલક અને અબ્રામાને જોડતો પુલ બનાવવાનું આયોજન
આઉટર રીંગરોડ મહાપાલિકા વિસ્તારમાં વાલક પાસે તાપી નદીને ક્રોસ કરે છે.ત્યાં તાપી નદી પર વાલક અને અબ્રામાને જોડતો પુલ બનાવવાનું આયોજન સુડા દ્વારા કરવામાં આવ્યું હતું.આ રીવર બ્રીજ 1.65 કિમી લંબાઇનો અને 2 બાય 11 મીટર કેરેજ-વે નો (3+3 લેન) સાકાર કરવામાં આવશે આ પ્રોજેક્ટ પાછળ સુડાને કુલ રૂ. 179.31 કરોડના ખર્ચ થશે. નવા હદ વિસ્તરણમાં વાલક અને અબ્રામા નો મહાપાલિકામાં સમાવેશ થઇ ગયો છે.


