– મ્યુ.કમિશનરની વહીટવટીદાર તરીકે પ્રથમ સ્ટેન્ડિંગમાં નિર્ણય
સુરત : વહીવટીદાર તરીકે નિમણૂંક બાદ મ્યુ.કમિશનરે પહેલી લીધેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં પાલ-ઉમરા બ્રિજ માટે એસ.વી.એન.આઈ.ટી થી શરુ થઇ ઉમરા ગામ સુધીનો રસ્તો ખુલ્લો કરવા મુકાયેલી લાઇનદોરીનો અમલ માટે એલાઇમેન્ટમાં જતી મિલકતોને ખાલી કરી જગ્યાનો કબ્જો મેળવવાની દરખાસ્તને લીલીઝંડી અપાઇ હતી.
જેથી આગામી દિવસમાં પાલિકા મિલકતદારોને જગ્યા ખુલ્લી કરવા નોટીસ ફટકારશે.પાલ-ઉમરા બ્રિજનું ઉમરા તરફે બાકી 5 ટકા કામ શરૂ થયું છે. જેથી આગામી 4 માસમાં પાલ-ઉમરા બ્રિજ શરૂ થાય એવી શક્યતા છે.જેના કારણે એસવીએનઆઇટીથી શરૂ થઈ ઉમરા ગામ સુધીના હયાત 18 મીટરના ટી.પી.રસ્તાની બંને તરફેની ખાનગી તથા સરકારી જગ્યામાંથી 24 મીટરના સૂચિત રસ્તાની લાઇનદોરીમાં આવતી જગ્યાનો કબ્જો લેવાની કામગીરી તેજ કરાઈ છે.
એક વર્ષ અગાઉ 500 મીટરની લંબાઈનો આ ટી.પી.રસ્તો 24 મીટરની સંપૂર્ણ પહોળાઈમાં ખુલ્લો કરી અંદાજે 23950 ચો.ફુટ એલાઈમેન્ટમાં આવતી જગ્યાનો કબજો મેળવાયો હતો.તેમજ લાઇનદોરીમાં આવતી રહેણાંક એકમોની અંદાજે 15,450 ચો.ફુટ એલાઇમેન્ટમાં જતી જગ્યાનો કબજો સ્વૈચ્છિક રીતે સુપ્રત કરવા સંમતિપત્રકો આપવામાં આવ્યા હતા.પરંતુ જગ્યાનો કબ્જો ન મળતાં લાઇનદોરીનો અમલ માટે મંજૂરી અપાઇ હતી.ઉપરાંત નિર્માણાધિન વેડ-વરિયાવ બ્રિજમાં વરિયાવ તરફે ટી.પી રોડ પર લાઇનદોરીને નડતરરૂપ મિલકતોનો કબ્જો લેવાની પણ કામગીરી કરાશે.


