– જીતુભાઈ વાઘાણીના સમયગાળામાં દબદબો ધરાવનારા ૧૫ નેતાઓના પત્તા નવા પ્રમુખે સીફ્તથી કાપી નાખ્યા અને બહાનું અપાયું નવાને તક આપવાનું, આ તો પક્ષ છે ચાલ્યા કરે…
દેશના રાજકારણમાં હાલના તબક્કે બે મુખ્ય પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યા છે.રાજસ્થાનના સતીશ પૂનિયા સહિત સંગઠનના ત્રણ ટોચના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.ભાજપના પ્રમુખને પણ તેડુ મોકલાયું છે.ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ બોલાવેલી આ બેઠક માટે બે-બે વખત રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ સાંભળનારા કદાવર નેતા અને મધ્યપ્રદેશના સિંધિયા પરિવારના પુત્રી અને હાલ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશનાર વસુંધરા રાજેને બોલાવાયા નથી.પહેલા તો રાજકારણમાં એવી ચર્ચા હતી કે ભાજપ ફરી એકવાર રાજસ્થાનની ગેહલોત સરકારને ગબડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.કારણ કે બસપાના ધારાસભ્યોને કોંગ્રેસમાં ભેળવવાના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પગલા સામે કોર્ટમાં કરાયેલ અરજીની સુનાવણી શરૂ થઈ ચૂકી છે અને આ અંગે ગેહલોતનો અને રાજસ્થાન કોંગ્રેસનો જવાબ માંગવામાં આવ્યો છે. જો કે અત્યારે ભાજપના મોવડીઓ દ્વારા હાલના તબક્કે દર્શાવાયેલું કારણ અલગ જ છે.રાજસ્થાનમાં જે ત્રણ બેઠકોની પેટાચૂંટણી આવી રહી છે તે જીતવા માટેનો વ્યૂહ ગોઠવવા આ નેતાઓને દિલ્હી બોલાવાયા છે.ભાજપ જો કે આ ત્રણેય બેઠકો જીતે તો પછી બીજા ઉપાયો દ્વારા ગેહલોત સરકારને ઉથલાવવાના સોગઠાં ગોઠવી શકે તેમ છે.પરંતુ આ વ્યૂહરચનાની રમત માટે બોલાવાયેલી બેઠક માટે વસુંધરા રાજેની બાદબાકી કેમ ? ભાજપના રાજસ્થાનના નેતાઓ સીધી રીતે આનો કોઈ જવાબ આપી શકતા નથી,પરંતુ એક વાત નક્કી છે કે સચીન પાયલોટવાળું પ્રકરણ સર્જાયુ ત્યારે વસુંધરા રાજેએ જે ભૂમિકા ભજવેલી તે મોવડીમંડળને ગમી નથી.જો કે,ભાજપના કેન્દ્રીય નેતાઓએ તે વખતે,વસુંધરા રાજેની સલાહને માન્ય રાખી ‘ઓપરેશન ગેહલોત’ મોકૂફ રાખ્યુ હતું.બસ આજ કારણોસર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે વસુંધરા રાજેની બાદબાકી કરી નાખી છે.
જ્યારે ભાજપમાં શરૂ થયેલો બાદબાકીનો ક્રમ ગુજરાતને પણ સ્પર્શી ગયો છે.પ્રદેશ પ્રમુખપદનો હવાલો સંભાળ્યા બાદ કોઈ કોંગ્રેસીઓની આયાત નહીં કરવાનું વચન ભલે તેઓ પાળી શક્યા નથી અને કોંગ્રેસમાંથી આયાત કરવાનો સીલસીલો ભાજપે ચાલું રાખ્યે છે અને આવતા દિવસોમાં ઘણા જિલ્લાઓમાં વગદાર ગણાતા કોંગ્રેસી નેતાઓને ભાજપમાં પ્રવેશ આપવાનો ભરતી મેળો યોજાવાનો છે. ઘણા મોટા ચહેરાઓ અને કેટલાક સેલીબ્રીટી જેવા બીનપક્ષીય ચહેરાઓ પણ ભાજપનો ખેસ પહેલા જાેવા મળે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.જાે કે આ બધી અટકળો અને જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરો અને મહાનગરોની ચૂંટણીના વાતાવરણ વચ્ચે પ્રદેશ સંગઠનની ટીમ જાહેર થઈ છે.આ નવી સંગઠન ટીમમાં ભીખુભાઈ દલસાણીયા સહિત ચાલ નેતાઓને ચાલુ રખાયા છે અને તેમાય પાટીદાર નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાનું નામ ઉપપ્રમુખોની યાદીમાં પહેલું છે.જાે કે તેઓ તો પ્રદેશ પ્રમુખપદની રેસમાં ચાર વર્ષ પહેલા પણ હતા અને આ વખતે પણ હતા.જેમ નીતિન પટેલને બેય વખતે નાયબ મુખ્ય પ્રધાનપદનો હોદ્દો મળ્યો તેવી જ રીતે ગોરધન ઝડફીયાને ઉપપ્રમુખો હોદ્દો આપી સમજાવી દેવાયા છે. હા, નીતન પટેલ અને ગોરધન ઝડફિયા વચ્ચે ફેર એટલો છે કે નીતિન પટેલ જનસંઘ વખતથી છે.ભાજપમાં જ રહ્યા છે અને હજી પણ રહેવાના છે તેમ તેઓ કહે છે જ્યારે ઝડફિયા મહા ગુજરાત જનતા પાર્ટી (એમજેપી) અને સ્વ. કેશુબાપાના પ્રમુખપદ હેઠળ રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટીના નેજા હેઠળ મોદી અને ભાજપ પર ખૂબ પ્રહારો કરી ચૂક્યા છે.જો કે ૨૦૧૭ની ચૂંટણી પહેલા તેમણે પોતાના જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ પણ કરી નાખ્યું હતું.હાલ તેઓ ભાજપમાં રાજ્ય કક્ષાએ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ભાજપના નવા સંગઠનમાં ચાર નેતાઓને ચાલુ રાખ્યા પરંતુ ૧૫ જેટલા અને તેમાંના કેટલાક તો કદાવર નેતાની વ્યાખ્યામાં આવે તેમ છે.તેમની સંગઠક તરીકેની છાપ છે તેવા ૧૫ નેતાઓના પત્તા કાપી નાખ્યા છે.સી આર પાટીલે ૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓનું પ્રદેશ માળખું જાહેર કર્યું છે. તેમાં નવા ચહેરાઓને તક આપી છે અને રાજકીય ભાષામાં કહીએ તો જામી પડેલા નેતાઓને કાપી નાખ્યા છે.ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના સમયમાં જેમનો દબદબો હતો એવા આઈ.કે. જાડેજા, કે.સી. પટેલ, શબ્દચરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમાને નવા માળખામાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત નવા સંગઠન માળખામાં જેમને ફરી સ્થાન નથી મળ્યું અથવા તો જેમનો સમાવેશ કરાયો નથી તેવા જુના નેતાઓમાં જયસિંહ ચૌહાણ, જશુબેન કોરાટ, જયશ્રીબેન પટેલ, રમીલાબેન બારા, મનસુખભાઈ માંડવીયા, અમિત ઠાકર, હર્ષદગીરી ગોસ્વામી, રાજેશ ચુડાસમા, રમણભાઈ સોલંકી, દર્શીતાબેન કોડિયા અને કીરણ પટેલનું નામ છે અથવા તો બીજી ભાષામાં કહીએ તો આ નેતાઓની સંગઠનના મોરચે બાદબાકી કરી દેવાઈ છે. જેમાં બે માજી સાંસદ છે, ત્રણ માજી મંત્રીઓ છે અને હાલના ત્રણ સંસદસભ્યો પણ છે.
મનસુખભાઈ માંડવીયા તો કેન્દ્રના પ્રધાનમંડળમાં મહત્ત્વના ખાતાઓ સંભાળે છે અને શીપીંગ ટ્રાન્સપોર્ટ વિભાગનો તો તેમની પાસે સ્વતંત્ર હવાલો છે અને તેમની કામગીરી અસરકારક છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની ગુડબુકમાં છે. તેમણે તો કેન્દ્રના પ્રધાનમંડળમાં અને રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે તેથી તેણે પોતે જ પ્રદેશસમિતિમાં હોદ્દાથી દૂર રહેવાનું પસંદ કર્યુ છે.મનસુખભાઈ માંડવીયાને પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારમાં પણ છેક સુધી સક્રિય રહેવાની જવાબદારી બજાવવાની છે.તેમનું તો જાણે કે સમજ્યા પણ બાકીનાનું શું ? તેમાના એક નેતા કે જેઓ ગુજરાતના મંત્રીમંડળમાં પણ સ્થાન સંભાળી ચૂક્યા છે અને ભૂતકાળમાં જ્યારે પણ ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી અંગેની અટકળો કે લોબીંગ થયું છે ત્યારે કે.આઈ. જાડેજાનું નામ આગળ રહ્યું છે.જો કે આ નેતાએ મીડિયાના પ્રશ્નના જવાબમાં મૌન સેવ્યું નથી.પરંતુ પક્ષના આદેશને શીરોમાન્ય ગણ્યો છે અને બે વાર સંગઠનમાં અને એક વાર સરકારમાં પોતાને મળેલી તક પૂરતી છે. હવે નવાને તક મળી છે તેનો મને આનંદ છે. જાેકે બાકીના નેતાઓએ પોતાના મોઢા ખોલ્યા નથી.
કેટલાક વિશ્લેષકો તો એવી વાત પણ શોધીને લાવ્યા છે કે જે ૧૫ નેતાઓની બાદબાકી થઈ છે તેમાંના બે ચારને બાદ કરતા બાકીના નેતાઓનો સી આર પાટીલના પૂરોગામી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના સમયગાળામાં દબદબો હતો. જીતુભાઈ દોરવમી હેઠળ આ મહાનુભાવોએ તેમને સોંપાયેલી ઘણી કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે. છતાંય નવા પ્રમુખે તેમણે ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી કે કોષાધ્યક્ષ, સહકોષાધ્યક્ષની યાદીમાં સ્થાન અપાયું નથી.તે બાબત ચચર્ચાનો વિષય તો ચોક્કસ બની છે.ઘણા વિશ્લેષકો એમ પણ કહે છે કે જીતુભાઈ વાઘાણીના સમયમાં જેમનો દબદબો હતો તેમના પત્તા કાપવાની પાછળ અનેક પ્રકારનું રાજકારણ કામ કરી ગયું છે.એક વિશ્લેષક તો એમ પણ કહે છે કે તાજેતરમાં આઠ બેઠકની પેટાચૂંટણી યોજાઈ ગઈ તેના પ્રચારમાં પ્રારંભિક બે તબક્કામાં જીતુભાઈ વાઘામીનો પણ ઉપયોગ થયો નહોતો.તેઓ કેશુબાપાનું નિધન થયું તે દિવસે ધોળામાં જે પ્રચારસભા હતી ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મંચ પર દેખાયા હતા.જો કે પછીના દિવસોમાં છેક સુધી તેમણે ગઢડા સહિતની પેટાચૂંટણીઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.તે પણ એક વાસ્તવિક હકિકત છે.
સંગઠનની નવી ટીમની આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાનારી ચૂંટણીમાં પણ મહત્ત્વની ભૂમિકા રહેવાની છે.સી આર પાટીલે જિલ્લા અને તાલુકા પંચાયતો અને મહાનગર અને નગરોમાં મોટાભાગની અને શક્ય હોય ત્યાં તમામ બેઠકો જીતવાનો જે લક્ષ્યાંક આપ્યો છે તે પૂર્ણ કરવા માટે પણ નવી ટીમે ભૂમિકા ભજવવાની છે.જાેકે જીતુભાઈ વાઘાણીના સમયમાં પણ લોકસભા ચૂંટમી અને નગરપાલિકાઓની ચૂંટણી અને કેટલીક પેટાચૂંટણીઓમાં સફળતા મેળવી જ છે.રાજ્યસભાની ચૂંટણી પહેલાં અને પછી વાડ પર બેઠેલા ભાજપના બે થી વધુ ધારાસભ્યોને સમજાવીને ડેમેજ કન્ટ્રોલ કરવાની તેમજ ૨૦૧૫માં ગુમાવેલી ૨૩ જિલ્લા પંચાયતો પૈકી પાંચ જિલ્લા પંચાયતોમાં પક્ષપલ્ટાનું હતિયાર ઉગામી કે અમુક સભ્યોને ગેરહાજર રાખી પ્રમુખપદ કબ્જે કરી સત્તા મેળવવાના દાવપેટમાં પણ જીતુભાઈ વાઘાણીની ભૂમિકા હતી.જે હોય તે પણ અત્યારે તો જીતુભાઈ વાઘાણીના સમયની ટીમ ભાજપમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા ભાજપના નેતાઓની બાદબાકી થઈ છે તે પણ હકિકત છે.


