અયોધ્યામાં શ્રીરામ જન્મભુમિ મંદિરના જીર્ણોદ્ધાર માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આખા દેશમાંથી ફંડ ઉઘરાવવામાં આવનાર છે.તેવામાં કાપોદ્રામાં ગઠિયાએ ફંડ(દાન) માટેની બોગસ રસીદો છાપીને મંડપ નાખીને ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું.
સરથાણા જકાતનાકા પાસે લક્ષ્મીનગર વિભાગ-1 ખાતે રહેતા કમલેશ છગન ક્યાડા વિશ્વ હિંદુ પરિષદ સુરત શહેરમાં મંત્રી છે.શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર માટે સ્વૈચ્છિક રીતે ફંડ એકત્રિત કરવા અંગે લોકસંપર્ક કરી રાશિ એકત્રિત કરવા અંગેની જવાબદારી ટ્રસ્ટી ચંપતરાયે વિશ્વ હિન્દુ પરિષદને આપી છે.તેની 10-100-1000 રૂપિયાની રસીદોનું દક્ષિણ ગુજરાત વિતરણ કરવાની જવાબદારી કમલેશ છગન ક્યાડાને સોંપવામાં આવી છે.રસીદોમાં કોષાધ્યક્ષ તરીકે ગોવિંદ દેવગીરીની સહિ છે.
14 જાન્યુઆરીના રોજ કમલેશ ક્યાડાને તેમના કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળ્યું કે,નાના વરાછાની ચીકુવાડી પાસે કોઈએ શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના નામનો દાન ઉઘરાવવાનો મંડપ લગાવેલો છે.ખરેખર વિશ્વ હિંદુ પરિષદે ત્યાં કોઈ મંડપ લગાવ્યો નહતો. તેથી કમલેશ ક્યાડાએ ત્યાં જઈને જોતા ત્યાં આરોપી અમિત ઉર્ફે રાહુલ સુરેન્દ્રપ્રસાદ પાંડે(રહે.કલ્યાણકુટીર સોસાયટી,ચીકુવાડી,કાપોદ્રા.મુળ રહે.જીરકપુર, જોનપુર,ઉત્તરપ્રદેશ)એ ગેરકાયદેસર રીતે મંડપ લગાવીને ત્યાં મંદિર માટે ફાળો ઉઘરાવવાની કોશિશ કરી હતી.તેની પાસે શ્રીરામ જન્મભુમિ તીર્થક્ષેત્રના નામની બોગસ રસીદો મળી આવી હતી.કમલેશ ક્યાડાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને પકડી લીધો હોવાની માહિતી મળી છે.