શુક્રવારે વહેલી સવારથી મગદલ્લા રુંઢથી લઈને પીપલોદ સુધીના તાપી નદી નજીકના વિસ્તારમાં કેરોસીન જેવી દુર્ગંધ આવતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.દુર્ગંધની સાથે કેટલાક લોકોએ આંખોમાં બળતરા થતી હોવાની પણ ફરિયાદ કરી છે.અચાનક સવારથી શરૂ થયેલી આ દુર્ગંધ રાત્રિના સમયે વધુ તીવ્ર થઇ જતાં નદી કાંઠે આવેલી સોસાયટીઓના રહીશોએ પોતાના મકાનના બારી-બારણાં બંધ કરવાનો વારો આવ્યો હતો.આ અંગે જાણ થતાં જીપીસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. ટીમ પીપલોદ-મગદલ્લા વિસ્તારમાં ફરી હતી.
ફરિયાદ મળતા ટીમ મોકલી અપાઇ છે
પિપલોદ-મગદલ્લા વિસ્તારમાં કેરોસીન-ડીઝલ દુર્ગંધ આવતી હોવાની રાત્રે ફરિયાદ મળી છે.ફરિયાદને લઇને તપાસ અર્થે એક ટીમ પિપલોદ મગદલ્લા વિસ્તારમાં મોકલી આપવામાં આવી છે.-પી.યુ.દવે,જીપીસીબી સુરત અધિકારી
આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફ પડે છે
સવારમાં દુર્ગંધ આવતી હતી.જોકે,રાત્રે તેમાં વધારો થયો છે.અમે નદીની નજીક કરીએ છે. હવે આ દુર્ગંધથી આંખમાં બળતરા થાય છે અને શ્વાસમાં પણ તકલીફ થતી હોય તેવું લાગી રહ્યું છે.- હેતલ પટેલ,રહેવાસી,મગદલ્લા ગામ


