ભોપાલ તા.19 : મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ તેમજ કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહે પણ અયોધ્યામાં બનનારા રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે.દિગ્વિજય સિંહે સોમવારે 1,11,111 રૂપિયાનો ચેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માધ્યમથી આ ચેક શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મોકલ્યા છે.રાજ્યસભાના સાંસદ દિગ્વિજયે ચેકની સાથે વડાપ્રધાનને એક પત્ર પણ મોકલ્યો છે. પત્રમાં તેમણે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જમા કરાયેલા દાનનો હિસાબ આપવા માંગ કરી છે.દિગ્વિજયે લખ્યું છે કે, વિશ્વ હિંદુ પરિષદે 15 જાન્યુઆરી, 2021થી રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાં દાન અભિયાન શરૂ કર્યું છે.આ પહેલા પણ વિહિપ અને અન્ય સંગઠન તેના માટે દાન અભિયાન શરૂ કરી ચૂક્યા છે.તેમણે કહ્યું કે,વિહિપે આ દાનનો હિસાબ આપવો જોઈએ.
દિગ્વિજયે પત્રમાં મંદિર નિર્માણ માટે બનેલા ન્યાસમાં કોઈ શંકરાચાર્યને સામેલ ન કરવા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.જોકે,તેમણે લખ્યું છે કે,સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ,અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ,પરંતુ તેના માટે દાન જમા કરવાનું કામ ભાઈચારાના વાતાવરણમાં થવું જોઈએ.રામ મંદિર માટે અભિનેતા અક્ષય કુમારે પણ દાન આપ્યું છે.ગત રવિવારે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના પ્રશંસકોને અપીલ કરી તે ઉત્તર પ્રદેશમાં બની રહેલા ભગવાન રામના મંદિર માટે દિલ ખોલીને દાન કરે.રામ મંદિર માટે ઘણા દાન એકઠું કરવાની આ કવાયત 27 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પ્રેસિડન્ટ રામનાથ કોવિંદે પણ 5 લાખ 100 રૂપિયાનું દાન આપ્યું છે.જુદા-જુદા સંગઠનોના કાર્યકર્તા 10, 100 અને 1000 રૂપિયાની કૂપનની સાથે ઘરે-ઘરે જઈને મંદિર નિર્માણ માટે રકમ એકત્ર કરશે.મંદિર ટ્રસ્ટે કોઈપણ પ્રકારની સરકારી મદદ, વિદેશી ધન કે કોર્પોરેટ દાન લેવાનો ઈનકાર કર્યો છે.