નવસારી : કેશોદમાં શિક્ષકો અને બાળકોમાં 11 જેટલા કોરોના કેસ નોંધાયાની ચર્ચાએ જોર પકડતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વિદ્યાર્થીઓ કે શિક્ષકોના આરોગ્ય માટે ક્યા પ્રકારના પગલાં લેવાય રહ્યા છે તેની વિવિધ સ્કૂલોમાં આકસ્મિક ચેકિંગ કરીને તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ નવસારી જિલ્લાની શાળાઓ એલર્ટની સ્થિતિ આવી ગઇ છે.
રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે કોરોનાનું સંક્રમણ ઘટતા તેમજ વેક્સિન ઉપલબ્ધ થતાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.જે પૈકી બોર્ડના વિદ્યાર્થીઓ શાળાએ જતા થયા છે.નવસારી જિલ્લામાં ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓ મળી કુલ 20088 જેટલા વિદ્યાર્થીઓ ઓફ લાઇન અભ્યાસમાં જોડાઇ ગયા છે.જોકે,વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો તેમના માટે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા પણ યથાવત રાખવામાં આવી છે.
જોકે,નવસારી જિલ્લામાં મહત્તમ વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસમાં જોડાતા વાલીઓમાં પણ આનંદ છવાયો છે.નવસારી જિલ્લામાં શરૂ થયેલી તમામ શાળાઓમાં એસઓપીની ગાઇડલાઇન પ્રમાણે કામગીરી થઇ રહી છે કે કેમ તે અંગે વિદ્યાર્થીઓના હિતમાં નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી તથા તેમની ટીમે વિવિધ શાળાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું.જોકે,મહત્તમ શાળાઓમાં એસઓપીની ગાઇડલાઇનનું પાલન કરાઇ રહ્યાનું ટીમને ધ્યાને આવતા હાશકારો અનુભવ્યો હતો.
ચેકિંગ માટે કુલ ત્રણ ટીમ બનાવવામાં આવી છે.જે આગામી દિવસોમાં પણ જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરી ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તેના ઉપર નજર રાખશે.જો તેમાં ચૂક જણાશે તો શાળા સંચાલકો તથા શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.ચેકિંગ દરમિયાન શાળામાં સેનેટાઇઝરનો ઉપયોગ થાય છે કે કેમ,સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે કે કેમ સહિતની કામગીરી ઉપર નજર રાખવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓના હિતમાં તપાસ કરાઇ
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોના સંક્રમણ સામે રક્ષણ મળે તે માટે એસઓપીની ગાઇડલાઇનનું પાલન કરાઇ રહ્યું છે કે કેમ તેની આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી.જોકે,જ્યાં પણ તપાસ કરાઇ ત્યાં ગાઇડલાઇનનું પાલન થતું હોવાનું જણાયુંં હતું,પરંતુ જો આગામી દિવસોમાં તપાસ દરમિયાન તેમાં ચૂક જણાશે તો શાળાની માન્યતા રદ ઉપરાંત દંડનીય કાર્યવાહી પણ કરાઇ શકે છે.- રોહિતભાઇ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી, નવસારી


