મુંબઈ : ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવાની માંગ તેજ થઈ રહી છે.આ મામલે મહારાષ્ટ્રના સત્તાધારી ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાકાંપાના નેતાઓએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે મંગળવારે મુલાકાત કરી હતી. ત્યાર બાદ દેશમુખે કહ્યું કે અર્નબની વ્હોટ્સએપ ચેટથી જાણ થાય છે કે તેને બાલાકોટ સ્ટ્રાઈકની પહેલેથી જ જાણકારી હતી, જ્યારે આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો હતો. આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય.કેન્દ્ર સરકારે આ મામલાની નોંધ લેવી જોઈએ.અમે પણ આ બાબતે કાયદાકીય સલાહ લઈશું.ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અર્નબે જાણકારી ત્રીજી વ્યક્તિ સાથે પણ શેર કરી
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતની આગેવાનીમાં નેતાઓ દેશમુખને મળવા પહોંચ્યા હતા.સાવંતે કહ્યું કે આ અત્યંત ચિંતાજનક બાબત છે કે અર્નબ પાસે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ઘણી ગુપ્ત જાણકારી હતી,પરંતુ તેઓ તેને BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તા સાથે ખુલ્લેઆમ શેર કરી રહ્યા હતા.
એડવોકેટ પ્રશાંત ભૂષણે ચેટના સ્ક્રીન શૉટ શેર કર્યા હતા
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે હાલમાં જ સોશિયલ મીડિયા પર વોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ શેર કર્યા હતા.દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટ અર્નવ ગોસ્વામી અને પાર્થો દાસગુપ્તા વચ્ચે થઈ હતી. 2013 થી 2019ની વચ્ચે દાસગુપ્તા BARCના CEO હતા. BARCએ એક સંસ્થા છે જે દેશના 45 હજાર ઘરોમાં ટીવી આધારિત બાર-ઓ-મીટરના માધ્યમ દ્વારા દર અઠવાડિયે જણાવે છે કે કઈ ચેનલ કેટલી જોવાઇ રહી છે.