– 2019ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ 6.89 લાખની લીડથી જીતેલા સાંસદનું કદ વધતા લોકોની અપેક્ષા પણ વધી
નવસારી : ગુજરાતના વિકાસના નકશામાં નવસારી હાંસિયામાં ધકેલાઇ ગયું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય આવકારદાયક છે,પરંતુ નવસારીના ઐતિહાસિક દાંડી મેમોરિયલ સુધી સ્પેશ્યલ બસ સુદ્ધા દોડાવાતી નથી. 8 વર્ષ પૂર્વે નવસારીને સુરતના જોડિયા ભાઇ તરીકે વિકસાવવા ટ્વીનસિટીની વાતો કરાઇ હતી,પરંતુ હાલ સુરતમાં મેટ્રો ટ્રેનના બન્ને રૂટમાંથી નવસારીની બાદબાકી કરાતા ટ્વીનસિટીની કલ્પનાનો છેદ ઉડી ગયો છે.ડિસેમ્બર 2015માં નૂડાની જાહેરાત કરાઇ હતી,પરંતુ તેને આખરી મંજુરી આજદિન સુધી મળી નથી.મુંબઇથી અમદાવાદ હાલ 38 ટ્રેન દોડી રહી છે.જે તમામ ટ્રેનને વાર્ષિક 19 લાખની કમાણી કરાવતા નડિયાદમાં સ્ટોપેજ અપાયું છે, 18 ટ્રેન વાપી-વલસાડ પણ ઉભી રહે છે.જ્યારે નવસારીમાં માત્ર 8 ટ્રેન થોભે છે.
સાંસદ સી.આર.પાટીલને 2019ની લોકસભા ચૂંટણીમાં નવસારીએ દેશમાં સૌથી વધુ 6.89 લાખની લીડથી જીતાડ્યાં હતા,હાલ તો તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ છે ત્યારે લોકોની અપેક્ષા સ્વાભાવિક જ વધી ગઇ હોય હવે ઉપેક્ષા સહન થાય તેમ નથી.નવસારીની સુવિધાની કોરી પાટી વિકાસના સુવર્ણ અક્ષરોની રાહમાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્પેશ્યલ ટ્રેન અને દાંડી સ્મારકે સ્પેશ્યલ બસ પણ નહીં
આઝાદીની લડતમાં મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના યોગદાનને સમગ્ર દેશ ક્યારેય વિસરી શકે તેમ નથી.આ બન્ને વિરલ વિભૂતિને યોગ્ય સન્માન આપતા નવસારીના દાંડીમાં રાષ્ટ્રીય સ્મારક અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવાયું છે.આ બન્ને સ્થળ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે.પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા સ્પેશ્યલ ટ્રેન મુકાય છે જ્યારે દાંડી રાષ્ટ્રીય સ્મારકે જવા સ્પેશ્યલ બસ પણ નથી.જેથી દેશ-વિદેશથી આવતા યાત્રિકોને ઐતિહાસિક દાંડી સ્મારકે ખાનગી વાહનમાં જવું પડે છે.
નુડાના ડી.પી.ને 5 વર્ષે પણ આખરી મંજૂરી નહીં
ડિસેમ્બર-2015માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નુડા)ની જાહેરાત કરાઇ હતી.આજે નુડા બન્યાને પૂરા પાંચ વર્ષ થઈ ગયા છે,પરંતુ હજુ સુધી નુડાના ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી.)ને આખરી મંજૂરી જ મળી નથી.અગાઉ એક વખત ડી.પી.નો ડ્રાફટ તૈયાર થયો પરંતુ 8 ગામ નીકળી જતાં ઉક્ત ડ્રાફટ આગળ વધ્યો નહીં.હાલ પણ ડી.પી. તો તૈયાર થયો છે પરંતુ ‘આખરી મંજૂરી’ બાકી છે,જ્યારે આખરી મંજૂરી અગાઉ વાંધા મંગાવાયા હતા.જેથી આ 5 વર્ષમાં નુડાના કાર્યક્ષેત્રનો વિકાસ રૂંધાયો છે એમ કહીએ તો કાેેઇ અતિશયાેક્તિ નથી.
એક્સપ્રેસ હાઈવે પ્રોજેકટમાં ખેડૂતો રડ્યાં
વડોદરાથી મુંબઈ વચ્ચે સરકાર નવો ‘એક્સપ્રેસ હાઈવે’ પણ બનાવી રહી છે.આ એક્સપ્રેસ વે નવસારી જિલ્લાના 22 ગામમાંથી પસાર થનાર છે. 100 મીટર પહોળા આ વિશાળ એક્સપ્રેસ હાઈવે માટે જિલ્લામાં ઘણી જમીન સંપાદન થઈ રહીં છે અને જમીન સંપાદન પ્રક્રિયા છેલ્લા ઘણાં સમયથી ચાલી રહી છે.જેમાં વળતર પણ ચૂકવાઈ રહ્યું છે.જોકે એક્સપ્રેસ હાઈવેમાં ખેડૂતોને વાસ્તવિક બજાર કિંમત કરતા ખૂબ ઓછુ વળતર ચૂકવાઈ રહ્યું છે.અનેક ખેડૂતોએ વધુ વળતરની રજૂઆત સરકારમાં કરી છે પરંતુ માગ હજુ સ્વીકારવામાં આવી નથી. કેટલાય ખેડૂતોએ વાંધા સાથે વળતર સ્વીકાર્યું છે.
નવસારીથી સુરત અપ-ડાઉન કરતા 3500 મુસાફરોને ST બસ સુવિધાના પણ ફાંફાં
ટ્રેન બંધ હોવાથી નવસારીથી સુરત અપડાઉન કરતા કર્મચારીઓ એસ.ટી. પર નિર્ભર બની ગયા છે.જેના કારણે દરરોજ સવારે 6 થી 9 ડેપો પર અડધો કિ.મી.ની કતાર જોવા મળે છે.નવસારીથી દરરોજ 3500થી વધુ મુસાફર સુરત અપડાઉન કરે છે. તેની સામે સવારે 9 ક્લાક સુધીમાં 35 બસો નવસારીથી મૂકાય છે અને 15 બસો બહારથી વાયા નવસારી થઇ સુરત જાય છે એટલે કે 50 બસો દોડે છે.તેમ છતાં એક બસમાં 40ની ક્ષમતા ગણીએ તો પણ 50 બસમાં 2000 મુસાફર જઇ શકે છે.જ્યારે 1500થી વધુ મુસાફરો રઝળી પડે છે.ત્યારે હવે નવસારી ન્યાય ઇચ્છે છે.
ટ્વીનસિટીની માત્ર વાતો : સુરત વિકસ્યુ, નવસારી નહીં
આજથી આશરે 8 વર્ષ અગાઉ સરકારે સુરત-નવસારી ટ્વીનસિટી (જોડિયા શહેર) પ્રોજેકટ અંતર્ગત કામ કરી સુરતની સાથે તેના જોડિયા શહેર નવસારીનો પણ વિકાસ કરવાની વાતો કરી હતી.આ અંગે સેમિનારો થયા,સુરત-નવસારી બંને નગરપાલિકા અને વહીવટીતંત્રની બેઠકો પણ થઈ હતી.સુરતની સાથે નવસારી પંથકમાં પણ ઈન્ફ્રાસ્ટ્રકચર,ફેસિલિટી ડેવલપ કરવા સહિતનો ‘રોડ મેપ’ બનાવાયો હતો.જોકે અત્યાર સુધીની હાલત જોતા સુરત તો વધુને વધુ વિકસ્યું પરંતુ નવસારીમાં પૂરતો વિકાસ થયો નથી. એક વર્ષથી તો ટ્વીનસિટીની ચર્ચા કરવા બેઠક પણ મળી નથી. તે જોતા હાલ આ પ્રોજેકટ અભરાઈએ ચઢ્યો હોય તેમ લાગે છે.
મેટ્રો નવસારી ન લંબાવતા ટ્વીનસિટીનાે છેદ ઉડ્યાે
અન્ય મેટ્રો સિટીની જેમ અહીંના મેટ્રો સિટી ‘સુરત’માં પણ મેટ્રો ટ્રેન પ્રોજેકટ હાથ ધરાયો છે.આ પ્રોજેકટ અંતર્ગત ફેસ-1માં જ સરથાણાથી ડ્રીમ સિટી 21 કિ.મી. મેટ્રો રેલ બિછાવાશે.નોંધનીય વાત એ છે કે આ પ્રોજેકટમાં હાલના સુરત મહાપાલિકા હદ વિસ્તાર અને તેને અડીને આવેલા વિસ્તારનો જ સમાવેશ કરાયો છે.જ્યારે નવસારીને ટ્વીનસિટી ઓળખ અપાઈ છે ત્યારે નવસારી સુધી મેટ્રો રેલ કેમ ન લંબાવાઈ ? સુરત-નવસારી વચ્ચે 35 કિ.મી. જેટલું અંતર છે.બીજુ કે નવસારી પંથકના હજારો લોકો રોજ સુરત અપડાઉન કરે છે.જો નવસારીને મેટ્રોથી જોડાત તો ટ્વીનસિટીનું સમણું સાકાર થયું હોત!
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનને વલસાડમાં સ્ટોપેજ,નવસારીને ઠેંગો
સમગ્ર દેશના આકર્ષણ સમા કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી 8 ટ્રેન શરૂ કરાઇ છે.જેમાં દાદર-કેવડિયા દૈનિક ટ્રેન નંબર 02927/28ને વલસાડ સ્ટોપેજ અપાયું છે,જ્યારે નવસારીને વધુ એકવાર ઠેંગો બતાવાયો છે. નવસારીથી રાત્રે 3.00 કલાકે પસાર થતી આ ટ્રેનને નવસારી સ્ટોપેજ અપાય તો લોકો સવારે 7.25 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકે છે. દિવસભર સરદાર સ્મારકના ભવ્ય સ્થળે ફરી રાત્રે 9.25એ કેવડિયાથી પરત આ જ ટ્રેનમાં બેસી રાત્રે 1.30 કલાકે નવસારી પહોંચી શકે છે.
રેલવે કમિટીમાં સભ્ય હોવા છતાં નેતાનું માૈન નવસારી માટે ઘાતક !
નવસારી રેલવેને વર્ષે 24 કરોડની આવક કરાવે છે.આવકની દ્રષ્ટિએ A1 ગ્રેડમાં આવતા નવસારીને D ગ્રેડની સુવિધા મળવા પાછળ રેલવે કમિટીમાં સભ્ય બની બેઠેલા નેતાઓનું મૌન કારણભૂત છે. રેલવે સલાહકાર સમિતિના માત્ર બે સભ્ય સંતોષ લોટાણી અને સંજય શાહ સમયાંતરે સ્ટોપેજમાં અન્યાય બાબતે રજૂઆત કરતા રહ્યાં છે.પરંતુ ઝેડઆરયુસીસી કમિટીના સભ્ય હોવા છતા ધારાસભ્ય પિયુષ દેસાઇ રેલવે કે સાંસદ પાટીલને રજૂઆત કરી નવસારીને ટ્રેનના સ્ટોપેજમાં થતા હળાહળ અન્યાય બાબતે ન્યાય અપાવી શક્યા નથી.કમિટી બહારના કોઇ નેતાએ પણ આ મામલે અવાજ ઉઠાવ્યો નથી.નેતાઓનું મૌન નવસારી માટે ઘાતક છે.
આેછી આવક છતાં નડિયાદમાં તમામ 38 ટ્રેનને સ્ટોપેજ,નવસારીમાં માત્ર 8 ટ્રેન થોભે છે
લોકડાઉન પૂર્વે મુંબઇથી અમદાવાદ દરરોજ 135 ટ્રેન દોડતી હતી અને હાલ 38 ટ્રેન દોડી રહીં છે.રેલવેને વાર્ષિક 19 કરોડની કમાણી કરાવતા નડિયાદ રેલવે સ્ટેશને તમામ 38 ટ્રેનને સ્ટોપેજ અપાયું છે.જ્યારે વાર્ષિક 24 કરોડ રળાવતા નવસારી રેલવે સ્ટેશને માત્ર 8 ટ્રેન થોભે છે.એટલુ જ નહીં વલસાડ જિલ્લાની સબળ નેતાગીરીના કારણે વલસાડ અને વાપી બન્ને રેલવે સ્ટેશને પણ આ 38 માંથી 18 ટ્રેનને સ્ટોપેજ અપાયું છે.ત્યારે નવસારીને જ અન્યાય કેમ? ટ્રેનોના સ્ટોપેજમાં વર્ષોથી ચાલતો અન્યાય સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા શરૂ કરાયેલી દાદર-કેવડિયા ટ્રેન સુધી શરૂ રહ્યો છે.


