સંઘપ્રદેશ દાનહના ખેરડી સ્થિત એક કંપનીના કેસમાં એનજીટીની પ્રિન્સિપલ બેંચે અગાઉ કરેલા આદેશની અવગણના કરવા બદલ પીસીસીને શોકોઝ નોટિસ ફટકારી આગામી સુનાવણીમાં હાજર રહેવા આદેશ કરાયા છે.ખેરડી સ્થિત પ્લેટિનમ એએસી બ્લોક્સ કંપની ફલાય એશ,બ્રિકસ અને બ્લોક્સનું ઉત્પાદન કરે છે.આ માટે પોલ્યુશન કંટ્રોલ કમિટી(પીસીસી) પાસે જરૂરી કન્સેન્ટ માગી હતી.જોકે,સંઘપ્રદેશ પીસીસીએ વર્ષ 2015ના જાહેરનામાંને ટાંકીને આ પ્રકારના ઉદ્યોગ પર પ્રતિબંધ હોવાથી મંજૂરી આપી ન હતી.
CPCB દ્વારા વર્ષ 2016માં કેટેગરી મુજબ ઉદ્યોગોની યાદી સુધારવા નિર્દેશ કર્યા હોવા છતાં પીસીસી દ્વારા મંજુરી આપી ન હતી.આ મુદ્દે કંપની સંચાલકો એનજીટીમાં ઘા નાંખતા ગ્રીન કેટેગરીના ઇકો ફ્રેન્ડલી ઉદ્યોગને શરૂ કરવા તાકીદ અને આદેશ કર્યા હતા.એનજીટીના ઓર્ડર હોવા છતાં પીસીસી દ્વારા મંજુરી ન આપતા આખરે કંપની સંચાલકોએ ફરી એનજીટીમાં કોર્ટ ઓફ કન્ટેમ્પટ મુજબ રીવીઝન અરજી કરી હતી.
આ કેસમાં એનજીટીએ બુધવારે પીસીસીના ચેરમેન અને મેમ્બર સેક્રેટરીને શોકોઝ નોટિસ ફટકારી છે.જેમાં બંને અધિકારીના પગાર કેમ ન અટકાવવા અને કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી એ બાબતે ખુલાસો માગ્યો છે અને બેંચમાં 23મી ફેબ્રુઆરીના રોજ થનારી સુનાવણીમાં બંને અધિકારીને રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા આદેશ થયા છે.


