આગામી 23મી જાન્યુઆરીના રોજ સભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પરાક્રમ દિવસની ઉજવણી થવાની છે જેને અનુલક્ષીને બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
પત્રકારો સાથે વાત કરતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 1938માં સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં હરિપુરા ખાતે કોંગ્રેસનું 51મુ અધિવેશન મળ્યું હતું.જેમાં નેતાજીને 51 બળદોના રથમાં બેસાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ અધિવેશનની યાદમાં 2009ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના 18000 ગામોમાં ઇગ્રામ વિશ્વ ગ્રામ યોજનાની શરૂઆત કરાવી હતી.આગામી 23મીએ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ 51 બળદો સાથેના રથમાં બહુમાન કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ માટેની તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવમાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.


