સહકારી ક્ષેત્રમાં રાજકારણ:1200 કરોડનું ટ્રાન્ઝેક્શન ધરાવતી ભીલાડવાળા બેંકની ચૂંટણીમાં ભાજપની સિમ્બોલ પર લડવાની જાહેરાત

323

વાપી:વર્ષે 1200 કરોડનું ટર્નઓવર ધરાવતી સરદાર ભીલાડવાળા બેન્કની કોરોનાના કારણે ચૂંટણી મુલતવી રહ્યા બાદ હવે 14 માર્ચે ચૂંટણી યોજાવાની જાહેરાત થઇ છે. છેલ્લા થોડા વર્ષોથી બે જુથોની ચાલતી લડાઇ વચ્ચે આ વખતની ચૂંટણીમાં ભાજપે પેનલ ઉતારવાની જાહેરાત કરતાં રાજકીય માહોલ ગરમાયો છે.આ વખતની ચૂંટણી રસપ્રદ બની રહેશે.બે મહિલા,એક એક એસટી સહિત કુલ 18 બેઠકો માટે 37856 સભાસદો મત્તાધિકારનો ઉપયોગ કરશે.દક્ષિણ ગુજરાતની અગ્રણ્ય સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કની બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં ચૂંટણીની તારીખનો કાર્યક્રમ નકકી કરાયો હતો.

જે મુજબ સૌ પ્રથમ કોરોનાના કારણે મુલતવી રહેલી વાર્ષિક સાધારણ સભા 14 ફેબ્રુઆરીએ યોજાશે.12 ફેબ્રુઆરીથી ફોર્મ વિતરણનો પ્રારંભ થશે.જયારે 14 માર્ચે વાપી ટાઉનની 5,જીઆઇડીસીની 1,ઉદવાડાની 2,પારડીની 6,ઉમરસાડીની 1,એક એસટી અને બે મહિલા સહિત કુલ 18 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.કુલ 18 બેઠકો માટે 37856 સભાસદો મત્તાધિકારનો ઉપયોગ કરશે.છેલ્લા બે ટર્મથી ભીલાડવાળા બેન્કની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળે છે.પરંતુ આ વખતે સ્થિતિ અલગ જોવા મળી રહી છે.

ભાજપે 18 બેઠકો પર પાર્ટી લેવલે ચૂંટણી લડવાની જાહેરાત કરતાં સમીકરણો બદલાયા છે. ભાજપની પેનલ અને હરિફ પેનલમાં કોણ-કોણ ઉમેદવાર હશે તેના પર સૌની ઉત્સુકતા વધી રહી છે.જો કે હજુ ચિત્ર સ્પષ્ટ થયુ નથી.પરંતુ બેન્કની ચૂંટણીને રાજકીય ગતિવિધિ તેજ જોવા મળી રહી છે.ભાજપમાં બેંકની ચૂંટણી માટે બે જૂથો હોવાથી હાલ ઉમેદવારોની પસંદગી પર સૌની નજર મંડાયેલી છે. કારણ કે, ચેરમેન પદને લઇને અગાઉ ભાજપના ડિરેક્ટરોમાં નારાજગી પસરી હતી.

ભાજપમાં બે જુથો હોવાથી ચૂંટણીમાં અગ્નિપરીક્ષા
ભીલાડવાળા બેન્કમાં છેલ્લે અઢી વર્ષ ચેરમેન પદ માટે હર્ષદ દેસાઇને રિપિટ કરતાં કમલેશ પટેલ અને શરદ દેસાઇ નારાજગી સાથે હેમંત દેસાઇની પેનલને સમર્થન આપ્યુ હતું.ચેરમેનપદે શરદ દેસાઇ અને એમ ડી તરીકે કમલેશ પટેલની નિમણૂંક થઇ હતી.આ ટર્મ પૂર્ણ થતાં હવે ભાજપે પેનલ ઉતારવાની જાહેરાત કરી છે.જેથી ભાજપમાં બે જુથો હોવાથી આ વખતની ચૂંટણીમાં કયા નવા સમીકરણો જોવા મળે છે તેના પર સૌની મીટ છે.

સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપ ચૂંટણી લડશે
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો ઊભા રાખવાની સૂચના આપી છે. ભીલાડવાળા બેન્કમાં પણ ભાજપ તમામ બેઠકો પર પાર્ટી લેવલે ચૂંટણી લડશે. સારા ચહેરાઓને પ્રાધાન્ય મળે તેવા ઉમેદવારોની પસંદગી કરાશે. જેની તૈયારી કરવામાં આવી રહી છે.-કમલેશ પટેલ,મહામંત્રી,વલસાડ જિલ્લા ભાજપ,એમ.ડી.ભીલાડવાળા બેન્ક

​​​​​​​બેન્કમાં બિનરાજકીય પેનલ ઉતારીશું
બેન્કમાં રાજકારણ લાવવું જોઇએ નહિ.અત્યાર સુધીમાં અમે આ સિદ્રાંત પર ચૂંટણી લડયા અને લડતા રહીશું.અમે બેન્કના હિતમાં બિન રાજકીય પેનલ ઉતારીશું. બેન્કના સર્વાગી વિકાસ માટે સારુ કામ કરે તેવા ઉમેદવારો અમારી ટીમમાં હશે.- હેમંત દેસાઇ,માજી ચેરમેન,ભીલાડવાળા બેન્ક

Share Now