-નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીના હોબાળા વિશે અગ્રલેખ લખ્યો
મુંબઇ તા.25 જાન્યુઆરી : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સવાસોમી જયંતીના કાર્યક્રમમાં જય શ્રી રામ બોલીને પ્રવચન શરૂ કર્યું હોત તો ભાજપ ભોંઠો પડી જાત અને મમતા બાજી જીતી જાત એવો અભિપ્રાય શિવસેનાએ વ્યક્ત કર્યો હતો.બન્યું એવું કે નેતાજીની જન્મજયંતીના ઉત્સવમાં મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાલના મુખ્ય પ્રધાન મમતા બેનરજી બંને હાજર હતાં.મમતા પોતાનું પ્રવચન કરવા ઊભાં થયાં ત્યારે ભીડે જય શ્રી રામનો પોકાર કરતાં મમતા લાલચોળ થઇ ગયાં હતાં અને ઉશ્કેરાઇને બોલવા લાગ્યા હતા. દેખીતી રીતેજ એમાં મમતાનું ખરાબ લાગ્યું હતું.
આ સંદર્ભમાં શિવસેનાના મુખપત્ર સામનામાં આજે એવો અગ્રલેખ પ્રગટ થયો હતો કે મમતાએ પોતે જય શ્રી રામ કહીને પ્રવચન શરૂ કર્યું હોત તો એ બાજી જીતી ગયા હોત અને ભાજપ ભોંઠો પડ્યો હોત.સભાજનોએ જય શ્રીરામનો પોકાર કર્યો એને મમતાએ પોતાના અપમાન તરીકે ગણ્યો હતો અને ઉશ્કેરાઇ ગયાં હતાં. સામનાના અગ્રલેખમાં એવો અભિપ્રાય વ્યક્ત કરાયો હતો કે મમતાએ આ તક ઝડપી લઇને ભાજપને ભોંઠા પાડવાની જરૂર હતી.
સામનાએ લખ્યું કે કદાચ મમતાને એમ લાગ્યું હશે કે હું જય શ્રીરામ બોલીશ તો મારા મતદારોને ખરાબ લાગશે.દરેકે પોતાના મતદારોને રાજી રાખવાના હોય છે.મમતાની પોતાની વોટબેંક છે.ભાજપ કોઇ પણ ભોગે મમતાને વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત કરવા માગે છે.ભાજપના વરિષ્ઠ નેતાઓ એટલે જ છેલ્લા થોડા સમયથી સતત પશ્ચિમ બંગાળની મુલાકાત લઇ રહ્યા હતા.અત્યાર અગાઉ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા,કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને હવે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા.સામનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતી વખતે લખ્યું કે મોદીએ પણ નોબેલ પારિતોષિક વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જેમ દાઢી અને વાળ વધાર્યા હતા.
સામનાએ ધાર્મિક અલગાવવાદ માટે મમતાને જવાબદાર ઠરાવતાં લખ્યું કે કોઇ પણ પક્ષ કે નેતાએ જનતાની ઇચ્છાને સ્વીકારવી જોઇએ.પરંતુ આપણી લોકશાહીમાં જનતાને પોતાના વિચારો તરફ આકર્ષવા જાતજાતના પ્રયાસો થાય છે જે અસહ્ય બની રહ્યા છે.ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ હવે ભાજપે પશ્ચિમ બંગાળમાં પણ લોકોમાં ભાગલા પડાવવાની રમત શરૂ કરી હતી.એને માટે મમતા બેનરજી પોતે ઘણે અંશે જવાબદાર છે.મમતાનો અતિ સેક્યુલરવાદ અને મુસ્લિમોની આળપંપાળ બહુમતી હિન્દુ પ્રજાને ખૂંચે છે.જો કે સામનાએ એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે મમતા રાજ્યના મુખ્ય પ્રધાન હોવા છતાં તેમનો અવાજ લોકો સુધી પહોંચતો નથી.સંસદીય ચૂંટણીમાં ભાજપે 14 બેઠકો જીતી લીધી એ હકીકત પણ મમતા માટે ચિંતાજનક છે. પરંતુ બંગાળની આ વાઘણ (બેંગાલ ટાઇગ્રેસ) સડકો પર લડવાવાળી છે અને લડતી રહેશે એમાં કોઇ શંકા નથી.