પ્રજાસત્તાક પર્વની દાહોદમાં ઉજવણી, ડભોઇના ભાજપના MLA શૈલેશ સોટ્ટાના નાનાભાઈ અને પાલિકાના પાણી પુરવઠા વિભાગના ના.કાર્યપાલક ઇજનેર વચ્ચે છુટ્ટાહાથની મારામારી, કપડાં પણ ફાડી નાખ્યાં

337

– ધારાસભ્યના ભાઈ નલિન મહેતા જાંબુવાની બાંધકામ સાઇટ પર પાણીના કનેક્શનની રજૂઆત કરવા ગયા હતા
– પાણીના કનેક્શનની રજૂઆત સમયે ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી

વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠાની કચેરીમાં પાણીના કનેક્શનો માટેની રજૂઆત કરવા ગયેલા ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)ના નાનાભાઇ અને રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના કાર્યકરી પ્રમુખ નલિનભાઇ મહેતા અને નાયબ કાર્યપાલક ઇજનેર હેમલ રાઠોડ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી.આ બનાવમાં ઇજાગ્રસ્ત નલિન મહેતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને બંને તરફે ફરિયાદના ચક્રો ગતિમાન થયાં છે.રાજકીય અગ્રણી અને ઇજનેર વચ્ચે થયેલી મારામારીના આ બનાવે પાલિકામાં ચકચાર જગાવી મૂકી હતી.

પાણીના કનેક્શન બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ

RSPના કાર્યકરી પ્રમુખ અને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નલિન મહેતા જાંબુવા ખાતે એક બાંધકામ સાઇટના પાણીના કનેક્શનો માટે રજૂઆત કરવા માટે ગયા હતા.તે દરમિયાન નલિન મહેતા અને નાયબ કાર્યપાલક ઇજનેર હેમલ રાઠોડ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતાં મામલો ઉગ્ર બની ગયો હતો.બંને વચ્ચેની ઉગ્ર બોલાચાલીએ મોટુ સ્વરૂપ ધારણ કરતા મારામારી ઉપર આવી ગયા હતા.નલિન મહેતા અને નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચે રીતસરની છુટ્ટાહાથની મારામારી થઈ હતી. જેમાં બંનેને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી અને જેમાં નલિન મહેતાના કપડા પણ ફાટી ગયા હતા.

બંનેએ એકબીજા ઉપર અપશબ્દોનો મારો ચલાવ્યો

મારામારી દરમિયાન બંનેએ એકબીજા ઉપર અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.આ બનાવને પગલે કચેરીના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને બંનેને છોડાવીને મામલો થાળો પાડવાનો પ્રયાસ કર્યો હતો.આજે સાંજે બનાવને લઇને પાલિકાની કચેરીમાં ચકચાર મચી ગઇ હતી અને વડોદરાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

હું પાણીના કનેક્શનની રજૂઆત કરવા માટે ગયો હતો

આ ઘટના બાદ નલિન મહેતાએ જણાવ્યું હતું કે,જાંબુવા ખાતે બની રહેલા કોમ્પલક્ષમાં 14 પાણીના કનેક્શનો માટે પ્લમ્બર બાબુભાઇ પરમારે 23 ડિસેમ્બર-2020ના રોજ પાણી પુરવઠા કચેરીમાં ફાઇલ મૂકી હતી.બાબુભાઇ પરમાર દ્વારા પાણીના કનેક્શનો આપવા માટે રજૂઆત કરી હતી, પરંતુ, કાર્યપાલક ઇજનેર દ્વારા પ્રેશર ન આવતુ હોવાના કારણે કનેક્શનો આપવા શક્ય નથી,તેમ જણાવીને કામ પૂર્ણ કરતા નહોતા,જેથી આજે હું રજૂઆત કરવા માટે ગયો હતો,ત્યારે મને પણ પાણીનું પ્રેશર ન આવતુ હોવાને કારણે પાણીનું કનેક્શન આપી શકાય નથી તેમ જણાવ્યું હતું.

બોલાચાલી બાદ અધિકારીએ મારા પર હુમલો કર્યો

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મે તેવુ કહ્યું હતું કે, પાણીનું પ્રેશર પુરતુ આવે છે, તેમ છતાં કેમ કનેક્શનો આપતા નથી.તેમ જણાવતા ઇજનેર ગુસ્સે થઇ ગયા હતા અને વધુમાં તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,આ કનેક્શન લેવા માટે કાર્યપાલક ઇજનેરે મારી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.જે બાબતે ઉગ્ર બોલાચાલી થતાં અધિકારીએ મારા પર હુમલો કર્યો હતો અને મને માર મારીને ઇજા પહોંચાડી હતી.

નલિન મહેતાએ મારી સાથે દાદાગીરી કરી હતી

ડેપ્યુટી ઇજનેર હેમલ રાઠોડએ જણાવ્યું હતું કે, જાંબુવા વિસ્તારમાં હાલ પાણીની સમસ્યાઓ છે,જેથી હાલ અમે નવા કનેક્શન આપતા નથી.જાંબુવા વિસ્તારની સાઇટનો કોન્ટ્રાક્ટર નલિન મહેતાને લઇને આવ્યા હતા તેઓ કહેતા હતા કે, હું આરએસપીનો કાર્યકરી પ્રમુખ છું અને દાદાગીરી કરવા લાગ્યા હતા.જેમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી અને મારી ઉપર પાણીના કનેક્શનો માટે એક લાખ રૂપિયા માંગવાનો આક્ષેપ છે તે ખોટો છે.હું ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યાં બાદ ફરિયાદ અંગે વિચારીશ.

Share Now