કડોદરા ભાજપમાં ભૂંકપ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા 50 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો

313

કડોદરા : કડોદરા નગરપાલિકાના ભાજપના નગરસેવક તેમજ શાસકપક્ષના દંડક નિલેષ ટેલર અને ભાજપ અગ્રણી નૈનેશ પટેલ સાથે 50 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી માજી કેન્દ્રિય મંત્રી અને ધારાસભ્ય આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો હાથ ઝાલતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે.

કડોદરા નગરપાલિકામાં જ્યારથી સંગઠન પ્રમુખ તરીકે શૈલેષ શ્રીવાસ્તવની નિમણૂંક થઈ છે ત્યારથી ભાજપના કાર્યકરો બળવો કરી રહ્યા છે.અગાઉ ચંદન ઠાકુર સાથે સેંકડો કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા બાદ ગતરોજ માજી કેન્દ્રિયમંત્રી અને ધારાસભ્ય આનંદ ચૌધરી,દર્શન નાયક જેવા કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર-3ના નગર સેવક નિલેષ ટેલર અને ભાજપના યુવા અગ્રણી એવા નૈનેશ પટેલે પણ ભાજપથી નારાજ થઈ ભાજપને રામ રામ કર્યા છે.અને કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. નિલેષ ટેલર અને નૈનેશ પટેલ સાથે અન્ય 50 જેટલા કાર્યકરોએ પણ ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આમ ભાજપનો ગઢ ગણાતા કડોદરા નગરમાં ભાજપ દિનપ્રતિદિન નબળી પડી રહી છે.એકબાજુ લોકો વડાપ્રધાન મોદી સાથે તો છે પણ સ્થાનિક નેતાગીરીના કારણે ઘણીવાર કાર્યકરોમાં નારાજગી રહે છે.અને જેના કારણે હાલ કડોદરા નગરમાં ભાજપનો જુથવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.કેટલાક કાર્યકરોમાં છુપો રોષ જોવાઈ રહ્યો છે. ત્યારે ટિકિટની વહેચણી થયા બાદ હજુ ભડકો થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.હાલ તો કડોદરા નગરમાં 68 જેટલા ટિકિટ વાઞ્છુકોએ ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે સંમતિ દર્શાવી છે.ત્યારે જૂના જોગીને ટિકિટ મળશે કે નવા ચહેરા આવશે એ આવનારો સમય બતાવશે.

Share Now