દિલ્હી હાઈકોર્ટે પોલીસને કહ્યું-પહેલા ભડકાઉ નિવેદન આપનારા નેતાઓની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે
એજન્સી, નવી દિલ્હી
દિલ્હી હાઈકોર્ટે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા મામલાની સુનાવણી કરતા દિલ્હી પોલીસ પર કડક ટિપ્પણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ભડકાઉ ભાષણ આપનારા ભાજપના નેતાઓની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે.
હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનાને તહેનાત કરવા અંગે હાઈકોર્ટે જણાવ્યું કે, હાલ આ અંગે ચર્ચા કરવા માગતા નથી. આપણે હાલ એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે એફઆઈઆર દાખલ કરવામાં આવે. કોર્ટે અધિકારીઓને કાયદો હાથમાં લેનારાઓની વિરુદ્ધ કડક પગલા લેવાના આદેશ આપ્યા છે. હવે આ મામલે ગુરુવારે સુનાવણી કરવામાં આવશે.
હાઈકોર્ટમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરનો વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ‘દેશના ગદ્દારો ગોળી મારો’ ના સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ લક્ષ્મી નગર બેઠકના ભાજપના ધારાસભ્ય અભય વર્માનો પણ વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપના નેતા કપિલ મિશ્રા અને સાંસદ પ્રવેશ વર્માનો પણ વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો.