રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ છે.તો બીજી બાજુ જ્ઞાતિગત સમીકરણો પણ સક્રિય થઇ રહ્યા છે.વર્ષોથી કડવા અને લેઉવા પાટીદાર અલગ અલગ રહ્યા છે પણ હવે આ બંનેનાં પાટીદાર આગેવાન ઊંઝા ખાતે એક જ પ્લેટ ફોર્મ પર સૌપ્રથમ વખત એકત્રિત થવા જઈ રહ્યા છે.શનિવારે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ અને ઊંઝા ઉમિયા ધામ ના ચેરમેન મણી દાદા તેમજ અન્ય પાટીદાર સંસ્થાઓ ઊંઝા ઉમિયાધામ ખાતે એકત્રિત થઇ રહી છે ત્યારે આ બેઠક રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્વની મનાય છે.
વર્ષ 2015માં જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે સૌપ્રથમ વખત કડવા અને લેઉવા પટેલો ‘પાટીદાર’ તરીકે એક થયા હતા.આંદોલન બાદ પાસ,એસપીજી,ખોડલધામ,ઉમિયાધામ સહિતની સંસ્થાઓ વધુ નજીક આવી અને હવે વધુ એક વખત કડવા અને લેઉવા નહિ પણ ‘પાટીદારો’ એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈ રહયા છે જે એક ઐતિહાસિક ઘટના ગણી શકાય.પાસ અને એસપીજીના ઉપક્રમે શનિવારે સવારે 10-30 વાગ્યે ઊંઝા ઉમિયા મંદિર ખાતે તમામ પાટીદાર આગેવાને માટે ખાસ બેઠકનું આયોજન કરાયું હતું.
નોંધપાત્ર બાબત એ છે કે આ બેઠકમાં ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ હાજર રહેશે. વર્ષ 2009માં ખોડલધામ ની સ્થાપના થયા બાદ નરેશ પટેલ સૌપ્રથમ વખત ઉમિયાધામની મુલાકાતે આવેલ છે. સાથે જ ઉમિયા માતા સંસ્થા ના પ્રમુખ મણીદાદા પણ પાસના ક્ધવીનર અલ્પેશ કથિરીયા અને દિનેશ બાંભણીયા તેમ જ એસપીજી પ્રમુખ લાલજી પટેલ બેઠકમાં હાજર રહ્યા.આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ એનસીપીના જયંત પટેલ પણ આ બેઠકમાં ખાસ હાજરી આપવાના છે. પાટીદારોની સિદસર સહિતની સામાજિક સંસ્થાના હોદ્દેદારો તથા પાસનાં મુખ્ય ક્ધવીનર અને કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહેશે કે નહીં તેની કોઇ સ્પષ્ટા હજુ સામે આવી નથી. પરંતુ તેમની સાથેનાં પાસનાં અન્ય ક્ધવીનર હાજર રહેવાના છે જે મહત્વનું માનવામાં આવે છે.
ઊંઝા ઉમિયા ધામ ખાતે આયોજિત આ અનેરા અવસરની તડામાર તૈયારીઓ ઉમિયાધામ ખાતે આરંભી દેવાઈ છે. 150 જેટલા આમંત્રીતો હાજર રહેશે અને ખાસ બેઠક કરશે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ,સુરત અને ઉત્તર ગુજરાતનાં પાટીદાર સમાજનાં આગેવાનો ઉપસ્થિતિ રહેશે.બેઠકમાં પાટીદારોને અસર કરતી રાજકીય,સામાજીક,શૈક્ષણિક અને રોજગાર લક્ષી સમસ્યાઓ પર મંથન કરાશે અને સાથે સાથે જ જરૂરી ઠરાવ પણ પસાર કરાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર છે ત્યારે પાટીદારો ની આ બેઠક અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.આ બેઠક યોજીને પાટીદારો હવે ‘અમે એક છીએ’ નો સંકેત આપી રહયા છે.