અમદાવાદ : દુષ્કર્મ કેસમાં પાસા ન કરવા અંગે પીએસઆઇ શ્વેતા જાડેજા પર 35 લાખની લાંચ આંગડીયા મારફતે બનેવી દેવેન્દ્ર નાથાભાઇ ઓડેદરાને મોકલી આપી હતી.આ કેસમાં મહિનાઓ છતા દેવેન્દ્રને પોલીસ શોધી શકી ન હતી.જેથી કોર્ટે તેને સોમવારે ફરાર જાહેર કર્યો હતો.ત્યારે આજે દેવેન્દ્ર અચાનક જ પોતાના એડવોકેટ સાથે સ્પે.કોર્ટમાં સરેન્ડર થયો હતો.ત્યારબાદ કોર્ટે તપાસ અધિકારીને બોલાવી તેની કસ્ટડી એસઓજીને સોંપી છે.જેથી હવે શનિવારે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પીએસઆઇ શ્વેતા જાડેજાએ લાંચની રકમ બનેવી દેવેન્દ્ર ઓડેદરાને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આંગડિયા પેઢી મારફતે 30 લાખનું આંગડિયુ કરવામાં આવ્યું હતું.જે પૈસા દેવેન્દ્રએ સ્વીકાર્યા હતા.આ ઉપરાંત અન્ય લાંચની રકમ પણ પીએસઆઇએ બનેવી દેવેન્દ્રને મોકલી હતી.તે પૈસા પણ તેને સ્વીકાર્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસના હાથે દેવેન્દ્ર લાગ્યો ન હતો.જેથી દેવેન્દ્રનું પોલીસે પહેલાં CRPCની કલમ-70 મુજબનું વોરંટ મેળવ્યું હતું અને પછી CRPCની કલમ-82 મુજબ ફરાર કોર્ટે જાહેર કર્યો હતો. ત્યારે હવે દેવેન્દ્ર પોલીસ સમક્ષ હાજર ન થાત તો તેની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવતી.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદની મહિલા ક્રાઈમની તોડબાજ પીએસઆઈ શ્વેતા જાડેજાએ દુષ્કર્મનાં કેસનાં આરોપી પાસેથી મસમોટો તોડ કર્યો હતો. જીએસપી ક્રોપ સાઈન્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેકટર કેનલ વી. શાહને પાસા નહિ કરવા માટે યેનકેન પ્રકારે 20 લાખ લીધા બાદમાં 10-10 લાખના બે આંગડિયા ઉપરાંત રૂપિયા 4 લાખ વસ્ત્રાપુરની સરકારી વસાહત નીચે રોકડા અને 1.12 લાખનો એક એપલનો 11-Pro મોબાઈલ મળી ફક્ત 6 દિવસમાં શ્વેતાએ 45.12 લાખ રૂપિયા કેનલ પાસેથી જ પડાવ્યા હતાં.આ તમામ પુરાવા આંગડિયા પેઢીના કર્મચારીઓની પૂછપરછમાં મળ્યાં હતા.