દેશના પ્રથમ નાણાં પ્રધાન આર સી કે એસ ચેટ્ટીએ 1947 માં જ્યારે આઝાદી પછીનું પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે તે બજેટના દસ્તાવેજોને ચામડાની બ્રીફકેસમાં લાવવાની શરુઆત કરવામાં આવી હતી.ત્યારથી દેશના દરેક નાણાં પ્રધાનો આ પરંપરાને અનુસરી હતી.પરંતુ જ્યારે વર્તમાન નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણાંમંત્રી બન્યા ત્યારે તેમણે આ પરંપરાને ભારતીય કરી દીધી.5 જુલાઈ 2019 ના રોજ તેઓ લાલ કપડાની થેલીમાં બજેટ દસ્તાવેજો લઈને સંસદ ભવન પહોંચ્યા હતા.જે ખરેખર ભારતીય પુસ્તકોને રાખવાનું એક સ્વરૂપ છે.છેવટે દેશનું બજેટ એ પણ એક પુસ્તક છે.જો કે આ વર્ષે તો બજેટ પણ ડિજિટલી રજૂ થયું છે.આ સિવાય બજેટમાં કેટલાક ફેરફાર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
1.ભારત સરકારના સૌથી મોટા મંત્રાલયોમાંના એક એવા રેલ્વે મંત્રાલયનું બજેટ દર વર્ષે સામાન્ય બજેટના થોડા દિવસ પહેલાં રજૂ કરવામાં આવતું હતું.દેશનું પ્રથમ રેલ્વે બજેટ વર્ષ 1924 માં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે વર્ષ 2016 માં આ પરંપરા બદલી હતી.ત્યારે નાણાં પ્રધાન અરુણ જેટલીએ રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી રજૂ કર્યું હતું.
2.વર્ષ 2016 માં પહેલીવાર બ્રિટીશ કાળના સમયથી અસ્તિત્વમાં રહેલી એક જૂની પરંપરા પણ તૂટી ગઈ હતી.ત્યારબાદ મોદી સરકારે ફેબ્રુઆરીના છેલ્લા દિવસને બદલે પહેલા દિવસે સામાન્ય બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. તેનું કારણ હતું કે નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય તે પહેલાં બજેટ સંબંધિત તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની હોય છે.જેથી સરકાર 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષ પર કામ શરૂ કરી શકે અને બજેટ વધુ સારી રીતે લાગુ થઈ શકે.પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મે-જૂન સુધીનો સમય લાગતો હતો.
3.ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બજેટ સાથે સંકળાયેલ બ્રિટિશ યુગની અન્ય એક પરંપરામાં પરિવર્તન લાવવામાં આવ્યું.આ પહેલા દેશનું સામાન્ય બજેટ સાંજના પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું,પરંતુ જ્યારે પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનું વર્ષ 1999 નું સામાન્ય બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે આ પરંપરાને તોડીને સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું.ત્યારબાદથી બજેટ રજૂ કરવાનો સમય સવારે 11 વાગ્યે થઈ ગયો છે.

