મહેસાણા જિલ્લામાં આજે કોવિડ વેકસીનેશનના બીજા તબક્કાનો સાગમટે પ્રારંભ કરાયો હતો. મહેસાણા સિવિલ હોસ્પિટલમાના નર્સિંગ સ્કૂલમાં ચાલી રહેલ વેક્સીનેશન કાર્યક્રમમાં આજે જિલ્લા પોલીસ અધિક્ષક ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે વેક્સીન લઈ પહેલ કરી હતી. આગામી દિવસોમાં જિલ્લાભરના 13 હજારથી વધુ ફ્રન્ટલાઈન પોલીસ તેમજ મહેસૂલ વિભાગ સહિતના કર્મચારીઓને વેક્સીનેશન થનાર છે.
મહેસાણા જિલ્લામાં બીજા તબક્કામાં રવિવારે પાંચ સ્થળોએ અંદાજે 500 જેટલા ફ્રન્ટલાઈન કર્મચારીઓને કોવિડ વેક્સીનેશન આપી રક્ષિત કરાયાં હતાં.આગામી દિવસોમાં જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત અન્ય કેન્દ્રો પર 13 હજાર જેટલા ફ્રન્ટલાઈન કર્મચારીઓને વેક્સીન આપવામાં આવનાર છે.આ પ્રસંગે કલેકટર એચ.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વધુમાં જણાવ્યું હતુ કે,જિલ્લાના વિવિધ સ્થળોએ આરોગ્યની નિષ્ણાત ટીમો દ્વારા સફળતાપૂર્ણ વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લામાં વિવિધ તબક્કામાં લોકો સુધી કોરોના વેકસીન પહોંચે તે માટે સુચારૂ વ્યવસ્થા કરાઈ છે અને કોરોના વેકસીનની કામગીરી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.ઉલ્લેખનીય છે કે,જિલ્લામાં રસીકરણ બાદ 30 જાન્યુઆરી સુધી 194 સેશનમાં 7,291 લાભાર્થીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.જેમાં કોઈ પ્રકારની આડઅસર પ્રકાશમાં આવી નથી.
કોરોના રસી સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છે
મહેસાણામાં કોરોનાની રસી લીધા બાદ જિલ્લા પોલસ અધિક્ષક ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,કોરોનાની રસી સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છે.ભારત સરકાર દ્વારા કોવિડને નાબુદ કરવા માટે રસીકરણ અભિયાન ઉપાડ્યું છે તેમાં જનસહયોગ જરૂરી છે.
વેક્સીનનો પ્રથમ ડોઝ લેનાર ઓબ્ઝર્વેશન રહે છે
કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ કો-વીન સોફ્ટવેરમાં વેક્સીન લેનાર લાભાર્થીઓનું નામાંકન કરવામાં આવે છે. વેક્સીનનો પ્રથમ ડોઝ આપ્યા બાદ દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે.


