વલસાડ જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટિએ રાજસ્થાનથી ભાગીને આવેલા 13 વર્ષીય બાળકને શનિવારે રાજસ્થાનના ભરતપુર જિલ્લાની સીડબ્લ્યુસી ટીમને સુપરત કર્યો હતો.જેને લઇ આ બાળકને તેના વતન પહોંચાડવાની તજવીજ હાથ ધરાઇ હતી.
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામે રહેતો 13 વર્ષીય બાળકના પિતાનું મૃત્યુ થઇ જતાં આર્થિક રીતે પરિવાર સંકટમાં હતો.આ બાળક માતા સાથે રહેતો હતો.ભણવામાં તેનું મન ન લાગતાં ઘરેથી વારંવાર પાંચક વખત ભાગી છુટ્યો હતો.બાળક પ્રથમ વડોદરા આવી એક સાયકલની દૂકાનમાં કામ કરતો હતો પછી વાપી ભાગી આવ્યો હતો.
31 ડિસેમ્બર 2020ના રોજ આ બાળક વાપી રેલવે સ્ટેશનેથી મળી આવતા પોલિસે વલસાડની જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સુપરત કર્યો હતો.બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલબેન સોલંકી અને સભ્યોની ટીમે તેને ધરાસણા ચિલ્ડ્રન હોમમાં મોકલી તેને વતન મોકલવા માટે રાજસ્થાનની ભરતપુર સીડબ્લ્યુસી ટીમ સાથે સંપર્ક સાધ્યો હતો.શનિવારે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કચેરીમાં રાજસ્થાનના ભરતપુર સીડબ્લ્યુસીના સચિવ નારાયણસિંગ સાથે બે આગેવાનોને આ બાળક સોંપવામાં આવ્યુ હતું.આ બાળકને સહિસલામત રીતે વતન રવાના કરવા સોનલબેન સોલંકી અને ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


